આડા સંબંધમાં પત્નીને હથોડીના ઘા ફટકારી પતિએ મોતને ઘાટ ઉતારી

હથોડીના ઘા ઝીંકી આરોપી પતિ થેલીમાં હથોડી લઇ ફરાર: અમદાવાદ સ્થિત દીકરી અને પોરબંદર મામાના ઘરે ગયેલા પુત્રને જાણ કરાઇ મૃતકના રૈયાધાર રહેતા પરિણીત પુરૂષ…

હથોડીના ઘા ઝીંકી આરોપી પતિ થેલીમાં હથોડી લઇ ફરાર: અમદાવાદ સ્થિત દીકરી અને પોરબંદર મામાના ઘરે ગયેલા પુત્રને જાણ કરાઇ

મૃતકના રૈયાધાર રહેતા પરિણીત પુરૂષ સાથેના સંબંધની જાણ થતા દંપતી વચ્ચે ઝઘડા થતા હતા: યુનિ. પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ

રાજકોટ શહેરમાં ગુનાખોરીની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલી શિવાલીક બિલ્ડિંગમાં એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં આડા સંબંધોની માથાકૂટને કારણે એક હસતા-રમતા પરિવારનો માળો પિંખાઈ ગયો છે.પારિવારિક વિવાદમાં ઉશ્કેરાયેલા પતિ અલ્તાફ લાલાણી (ખોજા) નામના શખ્સે પોતાની જ પત્ની શિલ્પાબેન ખોજા (ઉંમર વર્ષ 40) પર હથોડી વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. પતિએ પત્નીના માથાના ભાગે હથોડીના ઉપરાઉપરી ઘા ઝીંકી તેને લોહીલુહાણ કરી દીધી હતી.

આ લોહિયાળ ખેલ ખેલ્યા બાદ આરોપી પતિ લોહીલુહાણ હથોડીને એક થેલીમાં ભરીને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા શિલ્પાબેનને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં હાજર તબીબોએ પરીક્ષણ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાને પગલે હોસ્પિટલ પરિસરમાં કરૂૂણ દ્રશ્યો સર્જાયા હતા અને પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

પોલીસના પ્રાથમિક જાણવા મળ્યા મુજબ, મૃતક શિલ્પાબેન અને આરોપી અલ્તાફ લાલાણીના લગ્નને 23 વર્ષ જેટલો સમય થઈ ચૂક્યો હતો.અલ્તાફ લાલાણી રાજકોટના રૈયાધાર વિસ્તારમાં ‘શ્રેયાન્સ’ નામની પ્રોવિઝન સ્ટોર ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આ સુખી દંપતીને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેમનો 17 વર્ષનો પુત્ર શ્રેયાન્સ હાલ ઉનાળુ વેકેશન માણવા માટે પોરબંદર ખાતે પોતાના મામાના ઘરે ગયો છે તે મુંબઈ રહી અભ્યાસ કરે છે,જ્યારે તેમની 21 વર્ષની દીકરી આરઝૂ અમદાવાદમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે.બંને સંતાનોએ માતા હંમેશા માટે ગુમાવી દીધી છે, જેના કારણે બંને સંતાનો પર આભ તૂટી પડ્યું છે.

ઘટનાની જાણ થતાં જ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ સી.એન.દવે સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ શરૂૂ કરી હતી. આ ઘટનામાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ એમ.આર. ગોંડલીયા, પી.આઇ. મનોજ ડામોર, પીઆઇ ચીરાગ જાદવ અને સ્ટાફના સંજયભાઇ ખાખરીયા, વિજયરાજસિંહ જાડેજા તેમજ યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ વી.જી. ડોડીયા સહીતના સ્ટાફે આરોપીને સકંજામાં લઇ પુછપરછ શરૂ કરી છે.

શિલ્પાબેનને હથોડીના ઘા ઝીંક્યા બાદ અલ્તાફ ભાણેજ પર પણ હથોડી વડે તૂટી પડવાનો હતો!
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક શિલ્પાબેનની ભાણેજ નાયબબેન રહીમભાઈ જીવાણી પણ છેલ્લા ત્રણેક વર્ષથી આ પરિવારની સાથે જ શિવાલીક બિલ્ડિંગવાળા મકાનમાં રહેતી હતી.નાયબબેન રાજકોટમાં આવેલા ગોદરેજ સર્વિસ સ્ટેશનમાં નોકરી કરીને પોતાનું જીવન વિતાવે છે.તેમના માતા પિતા આફ્રિકા રહે છે.જ્યારે આ કરૂૂણ ઘટના ઘટી ત્યારે નાયબબેન પણ ઘરમાં જ હાજર હતા. અલ્તાફ જ્યારે શિલ્પાબેન પર હથોડીથી તૂટી પડ્યો અને નાયબબેને બચાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે અલ્તાફ હથોડી લઈને નાયબબેનને પણ જાનથી મારી નાખવાના ઈરાદે તેમની પાછળ દોડ્યો હતો.જોકે, નાયબબેન કોઈક રીતે પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા. આ સમગ્ર મામલામાં પોલીસ નાયબબેનને મુખ્ય ફરિયાદી બનાવવાની દિશામાં કાર્યવાહી કરી રહી છે.

અલ્તાફની દુકાને પહોંચી જીતુની પત્નીએ કહ્યું કે,શિલ્પાને સમજાવી દેજે હજુ મારા પતિને મેસેજ કરે છે!
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે,મૃતક પત્ની શિલ્પાબેનને જીતુ નામના કોઈ અન્ય વ્યક્તિ સાથે કથિત રીતે આડા સંબંધો હતા.આ બાબતની જાણ જીતુની પત્નીને થઈ જતાં તે ભારે આક્રોશમાં આવી ગઈ હતી. ઘટનાના દિવસે જીતુની પત્ની સીધી અલ્તાફ લાલાણીની રૈયાધાર ખાતે આવેલી પ્રોવિઝન સ્ટોર પર પહોંચી ગઈ હતી. તેણે ત્યાં જઈને અલ્તાફને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, ’તારી પત્ની શિલ્પાને તું સરખી રીતે સમજાવી દેજે, તે હજુ પણ મારા પતિને સતત મેસેજ કર્યા કરે છે. જો તને વિશ્વાસ ન આવતો હોય તો તું અત્યારે જ ઘરે જઈને તેનો મોબાઈલ ફોન ચેક કર.’ અન્ય સ્ત્રીના મોઢેથી પોતાની પત્નીના આવા સમાચાર સાંભળતા જ અલ્તાફ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો હતો અને તેનો પિત્તો ગયો હતો. તે તાત્કાલિક પોતાની દુકાનનું શટર પાડીને બંધ કરી સીધો જ ઘરે પહોંચ્યો હતો. ઘરમાં પ્રવેશતાની સાથે જ તેણે પત્ની શિલ્પાબેન સાથે ઉગ્ર ઝઘડો કર્યો હતો અને આવેશમાં આવીને ઘરમાં પડેલી હથોડી વડે શિલ્પાબેનના માથા પર જીવલેણ ઘા ઝીંકી દીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *