શહેરમાં મોરબી રોડ ઉપર આવેલા વેલનાથપરામાં રહેતી પરિણીતા ત્રણ દિવસ પૂર્વે ઝઘડો કરી ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતા માવતરે રિસામણે ચાલી ગઈ હતી. જેથી પતિને માઠું લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી ત્રણ પુત્રએ પિતાનું છત્ર ગુમાવતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબી રોડ ઉપર આવેલા વેલનાથપરામાં રહેતા ભાવેશભાઈ વિઠ્ઠલભાઇ વેજીયા નામનો 35 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો. ત્યારે રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં લાકડાની આડીમાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. યુવકને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન મૂળ હડાળા ગામનો વતની હતો અને અહીંયા રૂૂમ ભાડે રાખી રહેતો અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મૃતક યુવાન ત્રણ ભાઈ એક બહેનમાં વચ્ચેટ હતો અને તેને સંતાનમાં ત્રણ પુત્ર છે. ત્રણ દિવસ પહેલા પત્ની સરોજબેન ઝઘડો કરી ગ્રીનલેન્ડ ચોકડી ખાતે રહેતા માવતરના ઘરે રિસામણે ચાલી જતા ભાવેશ વેજીયાએ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
