જસદણમાં રોટલા બનાવવા મુદ્દે માતા સાથે ઝઘડો કરતી પત્નીને પતિએ ઢીકા પાટુનો માર માર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણમાં આવેલ સૈયદ ચોકમાં રહેતી નગમાબેન મોહસીનભાઈ તરકવાડિયા નામની 27 વર્ષની પરિણીતા બે દિવસ પૂર્વે રાત્રિના દસેક વાગ્યાના સમયે પોતાના ઘરે હતી ત્યારે પતિ મોહસીન તરકવાડીયાએ ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો. નગમાબેનને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં નગમાંબેને ઘટનાના આગલા દિવસે રોટલો બનાવેલ જે રોટલો બનાવતા ન આવડતા બીજા દિવસે સાસુ રોશનબેનને રોટલો બનાવવાનું કહેતા સાસુ વહુ વચ્ચે ઝઘડો થયો હતો માતા સાથે ઝઘડો કરતા નગમાબેન તરકવાડિયાને પતિ મોહસીનભાઈ તરકવાડીએ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં કોટડા સાંગાણીના માણેકવાડા ગામે રહેતા ધનીબેન રામજીભાઈ સોંદરવા નામના 55 વર્ષના પ્રોઢા પોતાના ઘરે હતા ત્યારે રાત્રિના સમયે બીમારીથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. પ્રોઢાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
