જામનગર શહેરના ચાંદી બજાર સર્કલ વિસ્તારમાં એક રિક્ષા ચાલક દ્વારા યુવતીની છેડતી કરવામાં આવી હોવાના આક્ષેપને પગલે ભારે હોબાળો મચી ગયો હતો. બનાવની જાણ થતાં ચાંદી બજારના વેપારીઓ, સોની વેપારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા અને ઘટનાને લઈને ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
બનાવને પગલે સમગ્ર ચાંદી બજાર વિસ્તારમાં ગરમાવો જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકોના ટોળાં એકત્ર થઈ જતાં ઘટનાની જાણ 100 નંબરની પોલીસ સેવાને કરવામાં આવી હતી. જેના પગલે પોલીસ ટુકડી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા કાર્યવાહી હાથ ધરી હતી.
ચાંદી બજારના વેપારીઓ અને સોની વેપારીઓ સહિતના આગેવાનો એકત્ર થઈ સમગ્ર મામલાને જામનગર સીટી ‘એ’ ડિવિઝન પોલીસ મથકે લઈ ગયા હતા. દરમિયાન જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા સ્થાનિક વોર્ડના કોર્પોરેટર ધીરેનભાઈ મોનાણી સહિતના આગેવાનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
યુવતી સાથે છેડતી કર્યાના આક્ષેપ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ અને જરૂૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
બીજી તરફ, ચાંદી બજાર વિસ્તારમાં લોકોના ટોળાં એકત્ર થઈ જતાં વાહનવ્યવહારને પણ અસર પહોંચી હતી અને ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. પોલીસે લોકોને સમજાવી ભીડને નિયંત્રિત કરી વાહનવ્યવહારને પુન: સુચારૂૂ બનાવવાની કામગીરી હાથ ધરી હતી.
