પાલિકા-પંચાયતોની ઉમેદવારી માટે ભાજપમાં ભારે ખેંચતાણ

મોડીરાત સુધી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી છતાં અમૂક બેઠકોમાં સહમતી નહીં થતા સવારે ફરી ચર્ચા કરાઇ રાજકોટ જિલ્લામાં જેતપુર-ધોરાજી-ઉપલેટાના લિસ્ટ ફાઇનલ, ભાયાવદર-જસદણમાં જૂથવાદનું નડતર આજે…

મોડીરાત સુધી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી છતાં અમૂક બેઠકોમાં સહમતી નહીં થતા સવારે ફરી ચર્ચા કરાઇ

રાજકોટ જિલ્લામાં જેતપુર-ધોરાજી-ઉપલેટાના લિસ્ટ ફાઇનલ, ભાયાવદર-જસદણમાં જૂથવાદનું નડતર

આજે રાત સુધીમાં લિસ્ટ જાહેર થશે, અસંતોષના ભયે મોટાભાગના ઉમેદવારોને સીધા મેસેજ કરાશે

ગુજરાતમાં 66 નગરપાલિકા, ત્રણ તાલુકા પંચાયત, જૂનાગઢ મહાનગર પાલિકા અને નગર પાલિકાઓની પેટા ચૂંટણી પૂર્વે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં ઉમેદવારો નક્કી કરવાની કવાયત મોડી રાત સુધી ચાલી હતી. અને જસદણ, ભાયાવદર સહિતની નગરપાલિકાઓ તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાના ઉમેદવારી માટે ભારે ખેચતાણ હોવાથી આજે સવારે પણ ભાજપના નેતાઓએ કોકડુ ઉકેલવા મથામણ કરી હતી.

અવે આવતીકાલે બપોરે 12.39 વાગ્યે વિજય મુહૂર્તમાં ભાજપના તમામ ઉમેદવારો વાજતે ગાજતે ઉમેદવારી પત્રકો ભરનાર છે તે પૂર્વે આજે રાત સુધીમાં મોટાભાગના ઉમેદવારો જાહેર થઇ જનાર છે. જયારે ખેચતાણ વાળી બેઠકોના ઉમેદવારો આવતીકાલે સવારે 11 વાગ્યા સુધીમાં જાહેર કરવામાં આવનાર હોવાનાુ ભાજપના સુત્રોમાંથી જાણવા મળી રહ્યુ છે.

રાજકોટ જિલ્લાની જસદણ, જેતપુર, ઉપલેટા, ભાયાવદર અને ધોરાજી નગરપાલિકાઓની ચૂંટણી છે તેમાં ધોરાજી-જેતપુર અને ઉપલેટામાં ઉમેદવારો રાત્રે જ ફાઇનલ થઇ ગયા હતા પરંતુ જસદણ અને ભાયાવદર માટે મોડીરાત સુધી પાર્લામેન્ટરી બોર્ડમાં ખેંચતાણ ચાલી હોવાનુ અને તેના કારણે આજે સવારે પણ આ મામલે ચર્ચા માટે બેઠક યોજાઇ હોવાનુ જાણવા મળે છે.

પાલિકા-પંચયતોની એક બેઠક દિઠ સરેરાશ ચાર-ચાર દાવેદારો હોવાથી ભાજપ હાઇકમાન્ડને ઉમેદવારો નક્કી કરવામાં ભારે જૂથવાદનો સામનો કરવો પડયો હતો. ભાજપના અલગ-અલગ જૂથો દ્વારા લોબિંગના કારણે નેતાઓ પણ મુંજવણમાં મુકાઇ ગયા છે. પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્ણ થઇ જવા છતા હજુ પણ નેતાઓ સમક્ષ લોબિંગ ચાલી રહ્યા છે.ભાજપમાં નવા અને જૂના નેતાઓના જૂથો વચ્ચે વધુ ખેંચતાણ જોવા મળી રહી છે. કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ પણ ટિકિટ માટે ધોકા પછાડી રહ્યા છે. તેના કારણે પસંદગી વિકટ બની છે.

નગરપાલિકા, તાલુકા-જીલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારો પસંદ કરવા માટે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી હતી. ચૂંટણી મેદાને ઉતારવા સમક્ષ ઉમેદવાર ફાઈનલ કરવા મોડી રાત સુધી કશમકસ ચાલી હતી.

પાલિકા-પંચાયતની ચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત છે, અને કોંગ્રેસને આ ચૂંટણીમાં રાજકીય ફાયદો થવાનો નથી તે નક્કી છે.આ જોતાં ભાજપની ટીકીટ મેળવવા દાવેદારોનો જાણે રાફડો ફાટ્યો છે, એવું જાણવા મળ્યું છે કે, મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયતની કુલ મળીને 2187 બેઠકો માટે ભાજપમાં આઠ હજારથી વધુ દાવેદારોએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

નિરીક્ષકોએ સેન્સ પ્રક્રિયા આટોપીને ભાજપ પ્રદેશ નેતાગીરીને રિપોર્ટ સોંપી દીધો છે, તે આધારે ગત રોજ મુખ્યમંત્રી નિવાસસ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારો ફાઈનલ કરવા ચર્ચા કરવામાં આવી હતી. દાવેદારોએ તો છેલ્લી ઘડી સુધી લોબિંગ કર્યું હતું. રાજકીય ગોડફાધરોની વગ આધારે ટિકિટ મેળવવા એડીચોટીનું જોર લગાવી દેવાયું છે. જોકે, યુવા અને નવા ચહેરાઓને પ્રાધાન્ય આપવાનું ભાજપે મન બનાવી લીધું છે.

જૂથવાદ વકરવાના ભયથી સીધા ઉમેદવારને જ મેસેજ મોકલાશે
ભાજપ દ્વારા અન્ય ચૂંટણીઓની માફક આ ચૂંટણીમાં પણ નો રિપીટ થિયરી લાગુ કરાય તેવી શકયતા વધુ છે. 60થી વધુ વય ધરાવતા હશે અને બે ટર્મથી વધુ વાર ચૂંટાયા હશે તેમને ટીકીટ નહીં મળે. જે ઉમેદવારોની પસંદગીની થશે તેને ફોર્મ ભરવા માટે મેસેજ મોકલી જાણ કરવામાં આવશે. ભાજપમાં જૂથવાદ વકર્યો છે, જેના લીધે પ્રદેશ સંગઠનની રચના ઘોંચમાં પડી છે. ત્યારે પાલિકા-પંચાયતોની ચૂૂંટણીમાં જૂથવાદ નડે નહીં તે માટે પણ ભારે તકેદારી રાખવામાં આવી રહી છે. અને તેવી જ ઉમેદવારો જાહેર કરવામાં પણ ગુપ્તતા રાખવામાં આવે તેવી શકયતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *