વેસ્ટઝોનમાં સૌથી વધુ 136 મિલકતધારકો, મનપાને રૂા.67.83 લાખની આવક
મહાનગરપાલિકા દ્વારા 10 વર્ષ બાદ મિલકત વેરામાં મહદ અંશે વ્યાજમાફી યોજનાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. વર્ષોથી રાહ જોઇ રહેલા મધ્યમ વર્ગીય મિલકતધારોકે સવારે 11 વાગ્યે યોજનાનો પ્રારંભ થતા જ સીવીક સેન્ટર ખાતે લાઇન લગાવી હતી. આ યોજનાનો લાભ નાના મિલકત ધારકોને વધુ થતો હોવાથી સવારથી ત્રણેય ઝોનમાં વોર્ડ ખાતે પણ આસામીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો અને બે કલાકમાં 335 મિલકત ધારોકે વ્યાજમાફી યોજનાનો લાભ લેતા મહાનગપાલિકાને ફકત બે કલાકમાં રૂા.67.83 લાખની આવક થઇ હતી. બજેટમાં વ્યાજમાફી યોજના થકી તંત્રએ 25 કરોડની આવક અંદાજવામાં આવી છે. જે સમયમર્યાદા પહેલા પૂર્ણ થઇ જાય તેવી સંભાવના આજના ધસારા ઉપરથી જોવાઇ રહી છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને રાહત આપવા હેતુસર મિલ્કત વેરા તથા પાણી વેરા પર વ્યાજ માફી યોજના આજે તા. 11/02/2026થી અમલમાં મુકવામાં આવી છે, તેમ, રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઇ રાડીયા એક સંયુક્ત યાદીમાં જણાવે છે. શહેરના મિલ્કતધારકો પર બાકી રહેલ કરની રકમ પર ચડત વ્યાજમાં રાહત મળે તે હેતુથી આ વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની રહેણાંક તેમજ બિન-રહેણાંક મિલ્કતો માટે નીચે મુજબ વ્યાજ માફી આપવામાં આવનાર છે. પ્રોપર્ટી ટેક્સ (સામાન્ય કર) પર ચડત વ્યાજમાં રૂૂ. 5,000/- સુધીની રકમનું વ્યાજ માફ કરવામાં આવશે. પાણી વેરા પર ચડત વ્યાજમાં પણ રૂૂ. 5,000/- સુધીની રકમનું વ્યાજ માફ કરવામાં આવશે. આ રીતે મિલ્કતધારકોને કુલ મળીને રૂૂ. 10,000/- સુધીની વ્યાજ રાહત મળશે. આ યોજના તા. 11/02/2026થી શરૂૂ થઈ છે અને આગામી તા. 31/03/2026 સુધી જ અમલમાં રહેશે.
