કેશોદ કોંગ્રેસમાં આયાતી નેતાઓના મુદ્દે ભારે રોષ, કાર્યકરોની રાજીનામાની ચીમકી

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિમાં સંગઠનની નિમણૂકોને લઈ ભારે વિવાદ સર્જાયો છે. પક્ષના પાયાના કાર્યકરોની લાગણીને નેવે મૂકીને ’સેન્સ’ પ્રક્રિયાની અવગણના કરવામાં…

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિમાં સંગઠનની નિમણૂકોને લઈ ભારે વિવાદ સર્જાયો છે. પક્ષના પાયાના કાર્યકરોની લાગણીને નેવે મૂકીને ’સેન્સ’ પ્રક્રિયાની અવગણના કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સાથે 52થી વધુ સક્રિય કાર્યકરોએ બળવો કર્યો છે. નારાજ કાર્યકરોએ એક ઠરાવ પસાર કરી પ્રદેશ કોંગ્રેસ સમિતિને મોકલી આપ્યો છે અને જો માંગણી સંતોષવામાં નહીં આવે તો તમામ કાર્યકરોએ નિષ્ક્રિય થઈ જવાની અથવા રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારી છે.

કાર્યકરો દ્વારા પસાર કરવામાં આવેલા ઠરાવમાં મુખ્યત્વે ત્રણ ગંભીર બાબતો સામે આવી છે, જેમાં શહેર પ્રમુખ તરીકે ગ્રામ્ય વિસ્તારના મતદારની નિમણૂક કરવામાં આવી છે, જે પક્ષના બંધારણ વિરુદ્ધ હોવાનો દાવો કરાયો છે.જે નેતા બે વર્ષ પહેલા જ ભાજપ છોડીને કોંગ્રેસમાં આવ્યા છે, તેમને સીધા તાલુકા પ્રમુખ પદે બેસાડી દેતા વર્ષોથી લોહી-પરસેવો પાડનારા કાર્યકરોમાં નારાજગી વ્યાપી છે. ઋત્વિકભાઈ મકવાણા અને જશવંતસિંહ ભટ્ટીની હાજરીમાં લેવાયેલી સેન્સ પ્રક્રિયા મુજબ નિમણૂકો થઈ નથી એવું કાર્યકરોનું માનવું છે.

નારાજ કાર્યકરોએ રજૂઆતમાં જણાવ્યું છે કે, નવા નિમાયેલા પદાધિકારીઓની ભૂતકાળની કામગીરી અને જાહેર છબી કોંગ્રેસના મૂલ્યોને અનુરૂૂપ નથી. પાયાના કાર્યકરો સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા કર્યા વગર જ આ નિર્ણય ઠોકી બેસાડવામાં આવ્યો હોવાથી સંગઠન નબળું પડી રહ્યું છે. કાર્યકરોએ માંગ કરી છે કે સેન્સ વિરુદ્ધ જઈને પક્ષમાં ભંગાણ પાડનારા તત્વો સામે તપાસ કરવામાં આવે.બીજી તરફ, ગુજરાત પ્રદેશ ડેલીગેટ હીરાભાઈ જોેટવાએ આ વિવાદને હળવાશથી લેતા જણાવ્યું હતું કે, “કોંગ્રેસ પાર્ટી આંતરિક લોકશાહીમાં માને છે. અહીં કાર્યકરોને પોતાની વ્યથા કે મુદ્દો રજૂ કરવાની સ્વતંત્રતા છે. જ્યારે આ વાત મોવડી મંડળ સુધી પહોંચશે ત્યારે ’ઘીના ઠામમાં ઘી પડી જશે’. આમાં કોઈ મોટો અસંતોષ હોય તેવું મને લાગતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *