ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી વાતાવરણ વચ્ચે છાંટા અને તડકા સાથે ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મિશ્ર ઋતુના કારણે ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં વાયરલ રોગના દર્દીઓ સારવાર અર્થે આવે છે.
ખંભાળિયા શહેર તથા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી વાયરલ બીમારીના કેસો વધી રહ્યા છે. જેમાં ખાસ કરીને તાવ, શરદી, ઉધરસ સાથે ઝાડા-ઉલટીના દર્દીઓ પણ નોંધપાત્ર સંખ્યામાં સામે આવી રહ્યા છે. ખંભાળિયા તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લા દિવસોમાં વરસી ગયેલા વરસાદી ઝાપટાના કારણે મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો છે. જેના કારણે તાવ, શરદી જેવી વાયરલ બીમારીમાં પણ વધારો થયો છે. ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓનો રાફડો જોવા મળે છે.
આ પરિસ્થિતિમાં ખંભાળિયામાં આવેલી જિલ્લાની સરકારી સિવિલ હોસ્પિટલમાં દરરોજ આશરે 1,000 જેટલા દર્દીઓ સારવાર અર્થે આવે છે. જેમાં 300 થી 400 થી વધુ કેસ વાઇરલ બીમારીના હોવાનું સરકારી હોસ્પિટલના સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. મનોજકુમાર દ્વારા જણાવાયું છે. જો કે જિલ્લામાં હાલ ડેન્ગ્યુ કે મેલેરિયા જેવા કેસો ખાસ નોંધાયા નથી. હાલમાં મિશ્ર ઋતુના કારણે વધતા જતા વાયરલ કેસો સંદર્ભે લોકોને સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા તેમજ આસપાસના વિસ્તારોમાં ગંદુ પાણી એકત્ર ન થાય તે માટે તકેદારી રાખવા પણ વધુમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
હાલની પરિસ્થિતિમાં નગરપાલિકા દ્વારા પણ ખંભાળિયા શહેરમાં સ્વચ્છતા અંગે ખાસ પ્રાધાન્ય આપવામાં આવે તેમ નગરજનો ઈચ્છી રહ્યા છે.
