UAEમાં ભયાનક ટ્રક અકસ્માત: 23 વાહનોને મારી ટક્કર, 3 ભારતીયો સહિત 14નાં મોત

  સંયુક્ત આરબ અમીરાત (UAE)ના ફુજૈરાહમાં મોટો અકસ્માત સર્જાયો હતો. ફુજૈરાહમાં ગુરુવારે મોડી રાત્રે એક બેકાબૂ ટ્રકે 23 વાહનોને ટક્કર મારી હતી. આ ટક્કરને કારણે…

 

સંયુક્ત આરબ અમીરાત (UAE)ના ફુજૈરાહમાં મોટો અકસ્માત સર્જાયો હતો. ફુજૈરાહમાં ગુરુવારે મોડી રાત્રે એક બેકાબૂ ટ્રકે 23 વાહનોને ટક્કર મારી હતી. આ ટક્કરને કારણે ભીષણ આગ લાગી હતી, જેણે અનેક વાહનોને પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. આ દુઃખદ ઘટનામાં ત્રણ ભારતીય નાગરિકો સહિત ૧૪ લોકોના મોત થયા છે અને ૩૦ અન્ય લોકો ઘાયલ થયા છે.

UAEના ગૃહ મંત્રાલય મુજબ, અકસ્માત ફુજૈરાહ શહેરના એન્ટ્રી રુટ પર મધરાતના થોડા સમય પહેલાં થયો હતો. રસ્તા પર ટ્રાફિક ધીમી ગતિએ ચાલી રહ્યો હતો.આ દરમિયાન એક ટ્રકના ચાલકે ગાડી પરથી કાબુ ગુમાવ્યો. ટ્રક પહેલા બીજા એક વાહન સાથે અથડાયો અને ત્યારબાદ પલટી ખાઈને રસ્તા પર ધીમી ગતિએ ચાલી રહેલા અથવા ઊભેલા વાહનો સાથે અથડાયો હતો. અથડાયા બાદ લાગેલી આગ ઝડપથી આસપાસની ગાડીઓમાં ફેલાઈ ગઈ. અકસ્માતમાં કુલ 23 વાહનો સામેલ હતાં, જેમાં 18 કાર અને 5 ટ્રક હતાં. આગને કારણે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ, પેરામેડિક્સ અને સિવિલ ડિફેન્સની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બચાવકર્મીઓએ આગ પર કાબૂ મેળવ્યો હતો અને ઘાયલોને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

યુએઈના ગૃહ મંત્રાલય અનુસાર, અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં યુએઈ, ઓમાન, ભારત, બ્રાઝિલ, પાકિસ્તાન, જોર્ડન અને ઈજિપ્તના નાગરિકો સામેલ છે. અકસ્મતમાં જીવ ગુમાવનારા ત્રણેય ભારતીયોની ઓળખ મુહમ્મદ અસ્‍મિલ, તેમની જોડિયા બહેન મિસ્ના જુબિન અને મુહમ્મદ ફૈઝ તરીકે થઈ છે.

અકસ્માતમાં ઘાયલ થયેલા 30 લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. તેમાંથી લગભગ અડધા લોકોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે, જ્યારે બાકીના લોકોની સારવાર ચાલુ છે.

દુબઈ સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસે પણ ભારતીય નાગરિકોના મૃત્યુની પુષ્ટિ કરી છે. દૂતાવાસે જણાવ્યું કે તે પીડિત પરિવારોના સંપર્કમાં છે અને સ્થાનિક અધિકારીઓ સાથે મળીને તેમને શક્ય તમામ મદદ પૂરી પાડી રહ્યું છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *