પોરબંદરના એરપોર્ટ રોડ પર આજે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 યુવાનોના મોત થયાં છે. .એરપોર્ટ રોડ પર બે મોટરસાયકલ વચ્ચે ભયાનક ટકકર થઇ હતી. આ અકસ્માત વહેલી સવારે 5 થી 6 વાગ્યાના સુમારે બન્યો હતો. આ દુર્ઘટનામાં કુલ પાંચ યુવાનો અડફેટે આવ્યા હતા, જેમાંથી 4ના મોત થયાં છે, જ્યારે ૧ યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
મળતી વિગતો અનુસાર એરપોર્ટ રોડ પર આજે વહેલી સવારે ફૂલ સ્પીડમાં આવતાં બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પર સવાર પાંચેય યુવાનો રોડ પર ફંગોળાયા હતા અને ઘટનાસ્થળે લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડ્યા અને એમ્બ્યુલન્સ મારફતે તમામને હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલાં જ ત્રણ યુવાનના મોત થયાં હતાં. જ્યારે અન્ય એક યુવાને વધુ સારવાર માટે જામનગર લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં ખંભાળિયા નજીક તેનું પણ મોત થયું હતું. આ અકસ્માતમાં અન્ય એક યુવાનને પણ ઈજાઓ પહોંચી છે, જે હાલ પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
ઘટનાની જાણ થતા જ પોલીસકાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. અકસ્માતનું કારણ હજુ જાણી શકાયું નથી. આ ઘટનાથી મૃતકોના પરીવારમાં શોકનું મોજું ફળી વળ્યું છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવાન પોરબંદરના પંચહાટડી, સોની બજાર અને આવાસ યોજના વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
મૃતકોના નામ
મિલન નારણભાઈ બાદરશાહી (ઉં.વ. 26)
દિપેશ નીતિનભાઈ ઢાકેચા (ઉં.વ. 18)
વનરાજ મનિષભાઈ ઝાલા (ઉં.વ. 17)
પિયુષ કિશોરભાઈ લોઢારી (ઉં.વ. 24)
