કચ્છ જિલ્લાના સરહદી અને વ્યસ્ત બનતા ખાવડા વિસ્તારમાં આજે વહેલી સવારે એક અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે. ખાવડા નજીક આરી પાર્ક તરફ જવાના માર્ગ પર કામદારોને લઈ જઈ રહેલી એક બોલેરો ગાડી અને પૂરપાટ ઝડપે આવી રહેલી હેવી ટ્રક વચ્ચે ગમખ્વાર ટક્કર થઈ હતી. આ ભયાનક અકસ્માતમાં સ્થળ પર જ સાત શ્રમિકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા જ્યારે શ્રમિકો ઘવાયા છે. જેમાંથી અમૂકની હાલત ગંભીર છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આજરોજ 9 ઓક્ટોબરે વહેલી સવારે ખાવડા વિસ્તારમાંથી આરી પાર્ક તરફ જતા માર્ગ પર શ્રમિકોથી ભરેલી બોલેરો ગાડી પસાર થઈ રહી હતી. તે સમયે સામેથી આવી રહેલી એક હેવી ટ્રકે બોલેરો વાહનને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક અને જોરદાર હતી કે બોલેરો ગાડીનો કુચલો બોલી ગયો હતો. અકસ્માતની આ વિકરાળતા એટલી બધી હતી કે વાહનમાં સવાર શ્રમિકોને સંભાળવાનો કે બચાવવાનો કોઈ અવકાશ મળ્યો નહોતો. ઘટનાસ્થળે જ અફરાતફરી અને ચીસાચીસ મચી ગઈ હતી.
પ્રાથમિક અંદાજ મુજબ, અકસ્માતનો ભોગ બનેલી બોલેરો ગાડીમાં 15 કરતાં વધુ શ્રમિકો સવાર હતા. આ ગંભીર દુર્ઘટનામાં સાત જેટલા નિર્દોષ શ્રમિકોનાં ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂૂ ઊડી ગયા હતા, જ્યારે અન્ય કેટલાક કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતની જાણ થતા જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને રાહત તથા બચાવ કામગીરી શરૂૂ કરી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું મનાય છે. તમામ શ્રમિકો NTPC કંપનીના છે.
દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તમામ સાત મૃતદેહોને ખાવડાથી ભુજ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરી પાર્ક વિસ્તારમાં આ પ્રકારનો આ પહેલો અને સૌથી મોટો અકસ્માત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અકસ્માત પાછળનું ચોક્કસ કારણ શું હતું, ટ્રક ચાલકની બેદરકારી હતી કે કેમ, અને કયા સંજોગોમાં આ ગોઝારી ઘટના બની તે તમામ દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂૂ કરી દીધી છે. સત્તાવાર રિપોર્ટ આવ્યા બાદ વધુ વિગતો સ્પષ્ટ થશે. નિર્દોષ શ્રમિકો પર આવી પડેલી આ આફતે તેમના પરિવારોને હચમચાવી દીધા છે. વહેલી સવારે બનેલી આ ઘટનાથી શ્રમિક પરિવારોમાં રુદન અને આક્રંદ છવાઈ ગયું છે, જ્યારે સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો છે. સ્થાનિક સ્તરે ટ્રાફિક નિયમો અને માર્ગ પર ભારે વાહનોની અનિયંત્રિત ગતિ અંગે પણ ફરીથી સવાલો ઉઠી રહ્યા છે.
કલેક્ટર અને એસપી હોસ્પિટલ પહોંચ્યા
કચ્છના ખાવડા સ્થિત આરી પાર્ક નજીક સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 7 લોકોના નીપજેલા મોત વચ્ચે 22 લોકો ગંભીર રીતે ઘાયલ થતાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે પોલીસ વાહનો મારફતે ભુજની અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોની સ્થિતિની સમીક્ષા કરવા અને ખબર-અંતર પૂછવા માટે કલેક્ટર અને પશ્ચિમ કચ્છ એસપી પોતે હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે હોસ્પિટલ તંત્રને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર અને સુવિધાઓ પૂરી પાડવા જરૂૂરી સૂચનાઓ આપી હતી. તદુપરાંત, વહીવટી તંત્રે સ્પષ્ટ કર્યું છે કે જો ઈજાગ્રસ્તોને વધુ સઘન સારવારની જરૂૂર પડશે, તો તેમને કચ્છ બહાર અન્ય હોસ્પિટલમાં રિફર કરવા માટે પણ તંત્ર સંપૂર્ણ રીતે તૈયાર છે.
