હિમાચલ પ્રદેશમાંથી એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટના આજે સવારે રાજ્યના ચંબા જિલ્લામાં બની. ટિસ્સા-બૈરાગઢ રૂટ પર એક ખાનગી બસ અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયાં છે, સાતથી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. ચંબાના ચુરાહ સબડિવિઝન હેઠળ આવતા બૈરાગઢ-ચંબા રૂટ પર એક ખાનગી બસે કાબુ ગુમાવતાં તે પહાડી રસ્તા પરથી લપસી ગઈ હતી અને સેંકડો ફૂટ નીચેથી પસાર થતા બીજા રસ્તા પર પડી હતી.
મળતી વિગતો અનુસાર, ‘શર્મા ટ્રાવેલ્સ’ નામના ખાનગી ઓપરેટરની બસ આજે સવારે આશરે 6:30 વાગ્યાની આસપાસ બૈરાગઢથી ચંબા જવા માટે રવાના થઈ હતી. આ દરમિયાન દેવીકોઠી નજીક આવેલા અત્યંત જોખમી ‘ચાલુજ વળાંક’ પાસે ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવી દીધો હતો. બસ ક્ષણવારમાં જ રસ્તા પરથી લપસીને નીચેના ભાગે આવેલા બીજા રોડ પર ખાબકી હતી. અકસ્માત સમયે બસમાં અંદાજે 15 થી 16 જેટલા મુસાફરો સવાર હતા.
આ ગંભીર અકસ્માતમાં ડ્રાઇવર અને કંડક્ટર સહિત સાત લોકોના મોત થયા છે; મૃતકોમાં ચાર પુરુષો અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. વધુમાં, લગભગ સાત લોકોને ઇજાઓ પહોંચી છે. અહેવાલો દર્શાવે છે કે બસ સવારે આશરે 6:30 વાગ્યે બૈરાગઢથી ચંબા જવા રવાના થઈ હતી.
ઘાયલોને તાત્કાલિક ટિસ્સાની સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ઘટનાના સમાચાર મળતા જ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને હાલમાં રાહત કામગીરી ચાલુ છે. બસના કાટમાળ નીચે વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા છે. ટિસ્સા પોલીસ સ્ટેશનના એડિશનલ એસએચઓ અનુભવ શર્માએ અકસ્માતની પુષ્ટિ કરી છે; પોલીસે કેસ નોંધ્યો છે અને આ મામલાની તપાસ કરી રહી છે.
