યુએસ સેનેટે રશિયા અને તેના પેટ્રોલિયમ ઉત્પાદનોના મુખ્ય ખરીદદારો (જેમ કે ચીન અને ભારત) પર દંડ લાદવાના બિલને ભારે બહુમતીથી મંજૂરી આપી છે. સેનેટમાં આ પ્રસ્તાવ 86-11 ના ભારે બહુમતીથી પસાર કરવામાં આવ્યો છે. આ બિલ હેઠળ રશિયા પાસેથી સૌથી વધુ ઊર્જા આયાત કરતા ટોચના પાંચ દેશોના સામાન પર 100% સુધીનો ટેરિફ લગાવવાની સત્તા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે.
બિલ મુજબ ભારત, ચીન, સ્લોવાકિયા, હંગેરી અને અઝરબૈજાન પર 100% ટેરિફ લગાવી શકાય છે. આ બિલ રિપબ્લિકન અને ડેમોક્રેટ બંને પક્ષોના સમર્થનથી લાવવામાં આવ્યું હતું. તેનો હેતુ રશિયાની તેલમાંથી થતી કમાણી ઘટાડવાનો છે, જેથી તેની યુદ્ધ લડવાની ક્ષમતા નબળી પડી શકે.
અમેરિકન સેનેટમાં પસાર થયેલા આ વિધેયકનું નામ બદલીને ‘લિન્ડસે ઓ. ગ્રાહમ સેંક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ ઓફ 2026’ રાખવામાં આવ્યું છે. વર્તમાન આંકડા મુજબ ચીન, ભારત, અઝરબૈજાન, હંગરી અને સ્લોવાકિયા રશિયા પાસેથી સૌથી વધુ તેલ અને ગેસ ખરીદતા ટોચના પાંચ દેશો છે. જો આ બિલ કાયદો બનશે તો આ તમામ દેશોએ અમેરિકા સાથે વેપાર કરવો કે રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવું તેમાંથી એકની પસંદગી કરવી પડશે.
હજુ આ કાયદો બન્યો નથી. હજુ તેને અમેરિકી સંસદના નીચલા ગૃહ એટલે કે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં મોકલવામાં આવશે. જો ત્યાં પણ બિલ પસાર થઈ જાય છે, તો તેને રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે. તેમની મંજૂરી મળ્યા પછી જ આ કાયદો બનશે.
