જેતપુરમાં આવેલા જંકશન પોપટપરા વિસ્તારમાં રહેતો અને સ્ટુડિયોમાં કામ કરતો યુવાન માલની ડીલેવરી કરી બાઈક લઈને પરત ફરી રહ્યો હતો. ત્યારે ચાપરાજપુર નજીક અજાણ્યા કાર ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જેતપુરમાં આવેલા જંકશન પોપટપરા વિસ્તારમાં રહેતા ખુશાલ રાજેશભાઈ ભેડા નામનો 20 વર્ષનો યુવાન ત્રણ દિવસ પૂર્વે પોતાનું બાઈક લઈને ચાપરાજપુર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા કાર ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક ખુશાલ ભેડા બે ભાઈ એક બહેનમાં વચેટ હતો અને સ્ટુડિયોમાં કામ કરતો હતો. માલની ડિલેવરી કરી પરત ફરી રહ્યો હતો. ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી અકસ્માત સર્જનાર કારચાલક વિરુધ્ધ તપાસનો દોર લંબાવ્યો છે.
