જામનગર-રાજકોટ હાઈવે પર હીટ એન્ડ રન, પરિવારના ચારને ઈજા

જામનગર નજીક રાજકોટ-જામનગર હાઇવે પર હિટ એન્ડ રનનો ગંભીર બનાવ સામે આવ્યો છે, જેમાં અજાણી કારના ચાલકે બેફામ ગતિએ બાઈકને ટક્કર મારતાં પતિ પત્ની અને…

જામનગર નજીક રાજકોટ-જામનગર હાઇવે પર હિટ એન્ડ રનનો ગંભીર બનાવ સામે આવ્યો છે, જેમાં અજાણી કારના ચાલકે બેફામ ગતિએ બાઈકને ટક્કર મારતાં પતિ પત્ની અને બે બાળકો સહિત એક જ પરિવારના ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. બનાવ બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ અંગે પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી તપાસ શરૂૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ તા. 12/04/2026ના રાત્રિના લગભગ 10:30 વાગ્યાના આસપાસ રાજકોટ-જામનગર હાઇવે પર ખીમરાણા ગામના પાટીયા પાસે, સુખનાથ માલધારી હોટલ સામે આ અકસ્માત બન્યો હતો.
ફરિયાદી વનરાજસિંહ બાલુભા જેઠવા પોતાની પત્ની જયશ્રીબા, પુત્રી કામ્યાબા(15) અને પુત્ર ભાગ્યરાજસિંહ (11) સાથે પોતાના બાઈક પર ખીરી ગામ ખાતે આવેલ હનુમાનજીના મંદિરમાં દર્શન કરી પરત ઘરે જઈ રહ્યા હતા.

જે દરમિયાન પાછળથી આવતી અજાણી ફોર વ્હીલ કારના ચાલકે બેફામ અને ગફલતભરી રીતે વાહન હંકારી બાઈકને જોરદાર ટક્કર મારી હતી. જે અકસ્માતમાં વનરાજસિંહ જેઠવાને માથાના પાછળના ભાગે ઈજા થઈ અને બે ટાંકા લેવાયા, તેમજ હાથના ભાગે છોલછોલની ઈજાઓ પહોંચી હતી.

તેમની પત્ની જયશ્રીબેનને ડાબી આંખ નજીક ઈજા તથા જમણા હાથમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચી હતી, દિકરી કામ્યાબા (ઉ.વ. 15) અને દિકરો ભાગ્યરાજસિંહ (ઉ.વ. 11)ને શરીરે છોલછોલ જેવી ઈજાઓ થઈ છે. અને તમામને સારવાર અપાઇ છે.

અ અકસ્માત સર્જ્યા બાદ અજાણી કારનો ચાલક પોતાની કાર સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, જેને કારણે આ બનાવ હિટ એન્ડ રન તરીકે નોંધાયો છે.

આ મામલે પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ 281, 125(એ), 125(બી) તેમજ મોટર વાહન કાયદાની કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા ફરાર કારચાલકની શોધખોળ શરૂૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *