જામનગર-ખંભાળિયા હાઇવે પર હીટ એન્ડ રન: બાઇક સવાર પ્રૌઢનું ઘટના સ્થળે મોત

જામનગર નજીક ખંભાળીયા હાઈવે પર બાઇક અને ટ્રક વચ્ચે ના વધુ એક ગંભીર હિટ એન્ડ રન અકસ્માતમાં ખાનગી કંપનીમાંથી કામ પૂર્ણ કરીને ઘરે પરત ફરી…

જામનગર નજીક ખંભાળીયા હાઈવે પર બાઇક અને ટ્રક વચ્ચે ના વધુ એક ગંભીર હિટ એન્ડ રન અકસ્માતમાં ખાનગી કંપનીમાંથી કામ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહેલા એક પ્રૌઢનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું છે.
મળતી માહિતી મુજબ બ્હાદુરસિંહ ટપુભા જાડેજા, (ઉંમર વર્ષ 56), પોતાની બાઈક લઈને મોટી ખાવડી રોડ પર એક ખાનગી કંપની તરફથી કામ પૂર્ણ કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે વસઈ ગામ નજીક પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી અજાણી ટ્રકે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક સવાર પ્રૌઢ રોડ પર પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા.

અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આસપાસના લોકો દ્વારા તાત્કાલિક ઇજાગ્રસ્તને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પરિવારજનોના જણાવ્યા મુજબ અકસ્માત પહેલાં બ્હાદુરસિંહ જાડેજાએ ઘરે ફોન કરીને હું ઘરે આવું છું તેવી વાત કરી હતી, પરંતુ ગણતરીની મિનિટોમાં જ અકસ્માતના સમાચાર મળતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું.

એક સામાન્ય દિવસની જેમ કામ પરથી ઘરે પરત ફરી રહેલા પિતા ક્યારેય ઘરે ન પહોંચી શકતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. આ બનાવ અંગે મૃતક ના પુત્ર સહદેવસિંહ બહાદુરસિંહ જાડેજાએ પોલીસને જાણ કરતાં સિક્કા પોલીસ દ્વારા હિટ એન્ડ રનનો ગુનો નોંધી ફરાર ટ્રક અને તેના ચાલકને શોધવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *