જસદણના વડાળી પાસે હિટ એન્ડ રન : સણોસરાના યુવકનું મોત

ચોટીલાના સણોસરા ગામે રહેતો યુવાન પોતાનું બાઈક લઇ જસદણ કામ સબબ જઇ રહ્યો હતો. ત્યારે વડાળી ગામ પાસે પહોંચતા અજાણ્યા બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો.…

ચોટીલાના સણોસરા ગામે રહેતો યુવાન પોતાનું બાઈક લઇ જસદણ કામ સબબ જઇ રહ્યો હતો. ત્યારે વડાળી ગામ પાસે પહોંચતા અજાણ્યા બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો. જે હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા યુવકનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલાના સણોસરા ગામે રહેતા વિજય વાલજીભાઈ રંગપરા નામનો 30 વર્ષનો યુવાન ગત તા.12 ના રોજ રાત્રીના નવેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઇ વડાળી ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલા અન્ય બાઇક ચાલકે વિજય રંગપરાના બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક વિજય રંગપરા બે ભાઈ બે બહેનમાં વચ્ચેટ હતો અને તેને સંતાનમાં એક પુત્રી છે વિજય રંગપરા જસદણ જઈ રહ્યો હતો ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *