રાજકોટ શહેરનાં મોરબી રોડ જુના જકાતનાકા પાસે કોલ્ડ્રીંકસની દુકાન નજીક પુરઝડપે આવી રહેલા અજાણ્યા ટ્રકનાં ચાલકે હડફેટે લેતા આધેડનુ ગંભીર હાલતમા સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવતા તેનુ મોત નીપજયુ હતુ.
આ અકસ્માત સર્જી નાસી ગયેલા ટ્રકનાં ચાલકની શોધખોળ કરવામા આવી રહી છે. આ મામલે મૃતકનાં પરીવારજનોની ફરીયાદ પરથી ટ્રક ચાલક સામે ગુનો નોંધવા તજવીજ શરુ કરી છે.
વધુ વિગતો મુજબ શહેરનાં પેડક રોડ મારૂતી નગર સોસાયટીમા રહેતા જીતેન્દ્રભાઇ લાલજીભાઇ વસોયા નામનાં 45 વર્ષનાં આધેડ આજે સવારે મોરબી રોડ જુના જકાતનાકા પાસે આવેલી પોતાની ફેબ્રીકેશનની દુકાન પરથી ઘરે જતા હતા. ત્યારે પુરઝડપે આવી રહેલા ટ્રકનાં ચાલકે આધેડને હડફેટે લેતા જીતેન્દ્રભાઇ ગંભીર રીતે ઘવાયા હતા. અને તેમને ગંભીર હાલતમા સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવ્યા હતા. જયા તેઓને ફરજ પરનાં તબીબે મૃત જાહેર કર્યા હતા. જીતેન્દ્રભાઇ વસોયાને બે દીકરી છે.
તેમજ પોતે બે ભાઇમા મોટા હતા. અકસ્માત સર્જી નાસી ગયેલા ટ્રક ચાલકને પોલીસે શોધખોળ શરુ કરી છે તેમજ બી ડીવીઝન પોલીસ મથકનાં સ્ટાફે જીતેન્દ્રભાઇનાં પરીવારજનોનુ નીવેદન લઇ ટ્રક ચાલક સામે ગુનો નોંધવા કવાયત હાથ ધરી છે.
