માધાપર ચોકડી પાસે હિટ એન્ડ રન, રસ્તો ઓળંગતા આધેડનું ટ્રકની ઠોકરે મોત

શહેરમાં વધુ એક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. માધાપર ચોકડી પાસે રસ્તો ઓળંગતા આધેડને અજાણ્યો ટ્રક ચાલક ઠોકરે ચડાવી નાશી છુટતા ગંભીર રીતે…

શહેરમાં વધુ એક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. માધાપર ચોકડી પાસે રસ્તો ઓળંગતા આધેડને અજાણ્યો ટ્રક ચાલક ઠોકરે ચડાવી નાશી છુટતા ગંભીર રીતે ઘવાયેલા આધેડનું ટુંકી સારવાર દરમિયાન મોત નિપજયું છે. ગાંધીગ્રામમાં રહેતા આધેડ સિકયુરીટીની નોકરી પર જતા હતા ને રસ્તામાં જ કાળ ભેટી જતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ ગાંધીગ્રામમાં લાખના બંગલા પાસે ગોવિંદનગર શેરી નં.3માં રહેતા પ્રકાશભાઇ બીજલભાઇ બરાડીયા (ઉ.વ.50) નામના આધેડ આજે સવારે 8 વાગ્યાના અરસામાં ચાલીને માધાપર ચોકડી પાસે ઓવરબ્રીજ નીચે રસ્તો ઓળંગતા હતા ત્યારે અજાણ્યા ટ્રકના ચાલકે પ્રકાશભાઇને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી ટ્રક ચાલક વાહન લઇ નાશી છુટયો હતો. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને ઇજાગ્રસ્ત પ્રકાશભાઇને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ અહીં તેમનું ટુંકી સારવાર દરમિયાન મોત નિપજયું હતું.

આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પીટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક ત્રણ ભાઇ ત્રણ બહેનમાં મોટા અને સિકયુરીટીમાં નોકરી કરતા હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. આજે સવારે સિકયુરીટીમાં નોકરી પર જતા હતા ત્યારે રસ્તામાં જ કાળ આંબી જતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. આ અંગે પોલીસે અકસ્માત સર્જી નાશી છુટેલા ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધવા અને તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *