શહેરની ભાગોળે રાજકોટ ગોંડલ હાઇવે પર શાપર-વેરાવળ નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં ટ્રક ચાલકે બાઇકને ઠોકરે લઇ નાશી છૂટતા બાઇક ચાલક એકાઉન્ટન્ટ પ્રૌઢનું ગંભીર ઇજા થતા મોત નીપજ્યુ છે. રાજકોટમાં રહેતા પ્રૌઢ કામે જતા હતા ત્યારે અકસ્માતમાં જીવ ગુમાવતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ શહેરમાં રૈયા રોડ પર આફ્રિકા કોલોનીમાં રહેતા રાજેશભાઇ જેન્તીલાલ શેઠ (ઉ.વ.55)નામના પ્રૌઢ આજે સવારે પોતાનુ બાઇક લઇ શાપર-વેરાવળ જતા હતા ત્યારે શાપર નજીક ખોડિયાર હોટેલ પાસે પહોંચતા અજાણયા ટ્રક ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સજાર્યો હતો. અકસ્માત સર્જી ટ્રક ચાલક નાશી છૂટયો હતો. જયારે બાઇક સવાર રાજેશભાઇને માથા ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર કારગત ન નીવડતા હોસ્પિટલના બીછાને તેમનુ મોત નીપજ્યુ હતુ. આ અંગે શાપર પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક રાજેશભાઇ ચાર બહેનના એકના એક ભાઇ હોવાનુ અને એકાઉન્ટનું કામ કરતા હોવાનુ જાણવા મળ્યુ છે. તેમને સંતનામાં બે પુત્ર છે. આજે સવારે તેઓ શાપર વેરાવળ કારખાનામાં એકાઉન્ટન્ટનું કામ કરવા જઇ રહ્યા હતા. ત્યારે રસ્તામાં જ અકસ્માત સર્જાતા કાળ ભેટી ગયો હતો. આ બનાવથી પરિવાર જનોમાં ગમગીની છવાઇ જવા પામી છે.
વાવડી નજીક અકસ્માતમાં આધેડનુ મોત
રાજકોટ તાલુકાના હલેન્ડા ગામે રહેતા જેન્તીભાઇ પોલાભાઇ પરમાર (ઉ.વ.50)નામના આધેડ ગતતા.13ના રાત્રે પોતાનુ બાઇક લઇ કમળાપુરથી પરત ઘરે આવતા હતા ત્યારે રાજાવડા અને વાવડી વચ્ચે અકસ્માત સર્જતા તેમને ગંભીર ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, સારવાર કારગત ન નીવડતા અહી તેમનુ મોત નીપજ્યુ હતુ આ અંગે ભાડલા પોલીસે જરૂરી કાર્યવહી કરી વધુ તપાસ હાથ ધરી છે.