રાજકોટ અમદાવાદ હાઈવે જાણે ગોજારો બન્યો હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાતા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં કુચીયાદડ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા બાઈક ચાલક યુવકનું મોત નિપજયું હતું. પોલીસે અજાણ્યા મૃતક અને અકસ્માત સર્જી નાસી છુટેલા અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શહેર નજીક આવેલા કુચિયાદડ ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી અજાણ્યા વાહન ચાલક નાસી છુટયો હતો. ઘટના અંગે જાણ થતાં એરપોર્ટ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતક યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. પોલીસે મૃતક અજાણ્યા યુવકના વાલી વારસ અને અકસ્માત સર્જી નાસી છુટેલા અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.
