રાજકોટ ભાવનગર હાઇવે જાણે ગોજારો બન્યો હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાતા હોવાની અનેક ઘટના પ્રકાશ આવી છે. ત્યારે વધુ એક બનાવમાં રાજકોટના લોઠડા ગામે રહેતો યુવાન રાત્રીના પોતાનુ બાઇક લઇ આંટો મારવા નીકળ્યો હતો. તે દરમિયાન કાળીપાટ પાસે અજાણયા ટ્રક ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટ નજીક આવેલા લોઠડા ગામે રહેતો રાકેશ ઉર્ફે રાહુલ વિઠ્ઠલભાઇ સરીયા નામનો 27 વર્ષનો યુવાન રાત્રીના સવા નવેક વાગ્યાના અરસામા પોતાનું બાઇક લઇ કાળીપાટ પાસેથી પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન પૂર પાટ ઝડપે ધસી આવેલા ટ્રક ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી ટ્રક ચાલક નાશી છૂટ્યો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયા તેનુ મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન બે ભાઇ એક બહેનમાં નાનો અને અપરિણીત હતો. મૃતક યુવાન કારખાનામાં કામ કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો. યુવાન રાત્રીના સમયે ઘરેથી બાઇક લઇ આંટો મારવા નીકળ્યો હતો. ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
