આગામી સ્વાતંત્ર્ય દિનની ઉજવણીને માત્ર ધ્વજવંદન કે સાંસ્કૃતિક કાર્યક્રમો સુધી સીમિત રાખવાને બદલે, ગુજરાત સરકારે આ વખતે જનભાગીદારીથી પર્યાવરણ અને સ્વચ્છતાનો નવો અધ્યાય શરૂૂ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા તમામ જિલ્લાઓ માટે વિશેષ દિશાનિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે, જે મુજબ રાજ્યભરના મુખ્ય મથકો પર એક પખવાડિયાથી લઈને એક મહિના સુધીનું ’સ્વચ્છતા અને વૃક્ષારોપણ અભિયાન’ હાથ ધરવામાં આવશે.
આ અભિયાનને જનઆંદોલનનું સ્વરૂૂપ આપવા માટે રાજ્યના શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ, NSS, NCC, MYભારત કેડેટ્સ, સ્થાનિક યુવા મંડળો અને સામાજિક સંગઠનોને સીધા સાંકળી લેવામાં આવશે. સામાન્ય વહીવટ વિભાગની યાદી મુજબ, જિલ્લા કલેક્ટરના સીધા માર્ગદર્શન અને સંકલનમાં આ આખું માળખું કાર્યરત રહેશે.
પર્યાવરણ સંરક્ષણ અને ગ્લોબલ વોર્મિંગ સામે જાગૃતિ લાવવાના હેતુથી તમામ સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ જાહેર જગ્યાઓ પર મોટા પાયે સઘન વૃક્ષારોપણ યોજાશે. સરકારી કચેરીઓના પરિસરમાં સ્વચ્છતા જાળવવાની સાથે સુંદરતા વધારવા માટે આ વિશેષ આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. આ પહેલથી આઝાદીના પર્વ પર રાજ્યમાં માત્ર રાષ્ટ્રપ્રેમનો માહોલ જ નહીં સર્જાય, પરંતુ જમીની સ્તરે સ્વચ્છતા અને હરિયાળીના સકારાત્મક પરિણામો પણ જોવા મળશે.
