હિટ એન્ડ રન: લોધિકાના પાળ ગામ પાસે ડમ્પર અડફેટે બાઇક ચાલકનું મોત

યુવકના મોતથી બે બહેનોએ એકનો એક ભાઈ અને માસુમે પિતા ગુમાવતા પરિવારમાં કરુણ કલ્પાંત રાજકોટમાં યુનિવર્સિટી રોડ ઉપર આવેલા માધવ પાર્કમાં રહેતો યુવાન પોતાનું બાઈક…

યુવકના મોતથી બે બહેનોએ એકનો એક ભાઈ અને માસુમે પિતા ગુમાવતા પરિવારમાં કરુણ કલ્પાંત

રાજકોટમાં યુનિવર્સિટી રોડ ઉપર આવેલા માધવ પાર્કમાં રહેતો યુવાન પોતાનું બાઈક લઈને લોધીકાના પાળ ગામમાથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા ડમ્પર ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા યુવકનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં યુનિવર્સિટી રોડ ઉપર આવેલ માધવ પાર્કમાં રહેતા રવિ ચંદ્રેશભાઇ મુંગરા નામનો 38 વર્ષનો યુવાન બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈને લોધિકાના પાળ ગામેથી રાજકોટ આવી રહ્યો હતો ત્યારે અજાણ્યા ડમ્પરના ચાલકે રવિ મુંગરાના બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સજાયો હતો.

અકસ્માત સર્જી ડમ્પરચાલક નાસી છૂટ્યો હતો ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પુછપરછમાં મૃતક યુવક બે બહેનનો એકનો એક ભાઈ હતો અને તેને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે લોધિકા પોલીસે નોંધ કરી અકસ્માત સર્જી નાસી છૂટેલા ડમ્પર ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *