ગાય માત્ર ધાર્મિક આસ્થા નહીં ગામડાઓ માટે આર્થિક-પર્યાવરણીય અને સામાજિક સમૃદ્ધિનું પ્રતિક : રાજપુરોહિત
ગૌ રાષ્ટ્ર યાત્રા ઐતિહાસિક, આધ્યાત્મિક અને રાષ્ટ્રીય સ્તરની સંસ્કૃતિક યાત્રા છે, જેનો મુખ્ય ઉદ્દેશ ભારતની પ્રાચીન ગૌ સંસ્કૃતિને પુન ઉજાગર, ગૌ માતાનું રક્ષણ અને સંવર્ધન તેમજ પંચગવ્ય આધારિત ગ્રામિણ અર્થતંત્રને ફરી જીવંત બનાવવાનો છે. આ યાત્રાની શરૂૂઆત 15 જૂન 2025 ના રોજ પવિત્ર ઋષિકેશ (ઉત્તરાખંડ) થી થઈ છે અને તે રામેશ્વરમ (તમિલનાડુ) ખાતે પૂર્ણ થશે. 61 દિવસની આ યાત્રા લગભગ 20,000 કિ.મી. લાંબી અને 12થી વધુ રાજ્યોમાંથી પસાર થઈ રહી છે.
યાત્રા ગ્રામીણ સ્વાવલંબન, ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી, ગૌ આધારિત ઉદ્યોગો અને ગ્રામ્ય સ્વરાજની ભાવનાને ઉજાગર કરી રહી છે. ગૌ રાષ્ટ્ર યાત્રા હવે ગુજરાતના હૃદય સમા રાજકોટમાં પહોંચી છે. આ યાત્રા હવે એક ઐતિહાસિક આંદોલન બની ચૂકી છે, રાજકોટમાં પ્રવેશ કરતાં જ યાત્રાને જનતા, ગૌસેવકો, સંતો, ખેડૂતભાઈઓ અને ઉદ્યોગકારોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.ગૌ રાષ્ટ્ર યાત્રા ને ઋષિકેશ (ઉત્તરાખંડ) થી યોગીરાજ આશુતોષજી મહારાજ, યુવરાજ સંત ગોપાલાચાર્ય, સ્વામી કેશવ સ્વરૂૂપ બ્રહ્મચારી, મહંત રવિ પ્રપન્નાચાર્ય, મહંત કરુણાશરણ મહારાજ, મહંત આલોક હરિ મહારાજ, મહંત કપિલમુની મહારાજ, મહંત રાજેન્દ્ર દાસજી મહારાજ સહિત અખિલ ભારતીય સંત સમિતિના પદાધિકારીઓ દ્વારા કેસરી ધ્વજ લહેરાવી, આશીર્વાદ આપીને યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. ગૌ રાષ્ટ્ર યાત્રા ઉત્તરાખંડ,ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, રાજ્યમાંથી પસાર ચુકી છે જે હાલ ગુજરાતમાં પ્રવેશી છે ગુજરાત પછી મહારાષ્ટ્ર, ગોવા, તમિલનાડુ, કર્ણાટક, કેરેલા રાજ્યોમાં પ્રવેશ કરશે. ગૌ રાષ્ટ્ર યાત્રાનું નેતૃત્વ કરતાં ભારતસિંહ રાજપુરોહિતએ ગૌ રાષ્ટ્ર યાત્રા વિશે જણાવતા કહ્યું કે 61 દિવસની ગૌ રાષ્ટ્ર યાત્રા આજના ભૌતિકવાદી યુગમાં આપણે જ્યારે આધુનિકતા તરફ દોડી રહ્યા છીએ, ત્યારે ભારતીય સંસ્કૃતિના મૂળ તત્વ ગૌમાતાની સેવાના સિદ્ધાંતોથી દૂર થતા જઈ રહ્યાં છીએ. ગાય માત્ર ધાર્મિક આસ્થા નહીં, પણ ભારતના ગામડાઓ માટે આર્થિક, પર્યાવરણીય અને સામાજિક સમૃદ્ધિનું પણ પ્રતીક રહી છે.
આજના સમયમાં ખેડુતોના ખેતર વેરા, રોજગારીનો અભાવ, પાણીના સંકટ અને સંસ્કૃતિના ક્ષય જેવા અનેક પ્રશ્નો ઊભા થયા છે, જેના મૂળમાં ગૌમાતા પ્રત્યે માનવીય ઉદાસીનતા છે. ગૌ રાષ્ટ્ર યાત્રા એ આ જાગૃતિ લાવવાનો એક મહત્ત્વકાંક્ષી પ્રયાસ છે. ગૌ રાષ્ટ્ર યાત્રા દરમિયાન દેશના વિવિધ સ્થાનો પર ગૌ શિબિરો, સેમિનાર, સંવાદ અને જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે, ભારત સરકારના પૂર્વ મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ, GCCIના સ્થાપક ડો. વલ્લભભાઈ કથીરિયા એ જણાવ્યું કે ગૌમાતા ભારતની કૃષિ, આરોગ્ય, પર્યાવરણ અને અર્થવ્યવસ્થાનો આધાર સ્તંભ છે. જીસીસીઆઈના જનરલ સેક્રેટરી મિત્તલ ખેતાણીએ ગૌ રાષ્ટ્ર યાત્રા વિશે જણાવતા કહ્યું કે યાત્રાના દરેક સ્થળે ગૌ પૂજન, સંતોના પ્રવચનો, યુવાનો સાથે સંવાદ, ગૌ સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ગ્રામિણ પ્રશ્નોના હલ માટે લોકસંવાદ યોજાઈ રહ્યા છે. આ મહાયાત્રાએ હજારો ગામડા અને લાખો નાગરિકોને ગૌ માતાના ગૌરવ માટે એકઠા કર્યા છે અને રાષ્ટ્રીય ભાવનાને ઊંડો આધાર આપ્યો છે.
ગૌ રાષ્ટ્ર યાત્રા અંગેની માહિતી આપવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું સંકલન અરુણભાઈ નિર્મલ દ્વારા કરવામાં આવ્યું હતું. પત્રકાર પરિષદમાં પત્રકાર મિત્રોનું સ્વાગત મિત્તલ ખેતાણી દ્વારા કરવામાં આવ્યું હતું. ગૌ રાષ્ટ્ર યાત્રા અંગેની માહિતી ભારતસિંહ રાજપુરોહિત અને ડો.વલ્લભભાઈ કથીરિયા દ્વારા આપવામાં આવી હતી. રાજકોટ ખાતે ગૌ રાષ્ટ્ર યાત્રાના સંકલન અંગે વિજયભાઈ ડોબરીયા, દિલીપભાઈ સખીયા, રમેશભાઈ ઘેટીયા, ગૌરાંગભાઈ ઠક્કર,પારસભાઈ મહેતા, વીરાભાઇ હુંબલ,રમેશભાઈ ઠક્કર, ધીરેન્દ્રભાઇ કાનાબાર, પ્રતિક સંઘાણી, ચંદ્રેશભાઇ પટેલ, વિનોદભાઈ કાછડીયા, હિરેન હાપલીયા, કાંતિભાઈ ભૂત, નવનીતભાઈ અગ્રવાલ, પ્રકાશભાઈ સોલંકી, કિશોરભાઈ વોરા, ભરતભાઈ ભુવા તેમજ અન્ય સામાજિક આગેવાનો અને ગૌ સેવકો નો સહયોગ મળી રહ્યો છે. ગૌ રાષ્ટ્ર યાત્રા અંગેની વિશેષ માહિતી માટે ભારતસિંહ રાજપુરોહિત (મો.9772923956), રવિ (મો. 9719763911) ઈ મેઇલ : gousevaagmail.com, વેબ સાઇટ : www.gaurashtrayatra.com પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
