ચોટીલામાં ગૌશાળાના ડિમોલિશનથી હાઇકોર્ટ નારાજ

ઇન્ચાર્જ મામલતદારને તતડાવી નાખ્યા, ડેપ્યુટી કલેક્ટર સામે તપાસની સુચના સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા મેગા ડિમોલિશનમાં ગૌશાળા અને ધર્મશાળા તોડી પાડવાના…

ઇન્ચાર્જ મામલતદારને તતડાવી નાખ્યા, ડેપ્યુટી કલેક્ટર સામે તપાસની સુચના

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા મેગા ડિમોલિશનમાં ગૌશાળા અને ધર્મશાળા તોડી પાડવાના મામલે ગુજરાત હાઈકોર્ટે સરકારની આકરી ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટે આ મામલે મનસ્વી રીતે નિર્ણય લેવા બદલ ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા સામે વિભાગીય તપાસ અને શિસ્તભંગના પગલાની પણ ચીમકી આપી હતી.

જાન્યુઆરી 2026માં ચોટીલા ડુંગર તળેટી વિસ્તારમાં 400થી વધુ ગેરકાયદે દબાણો હટાવવા માટે તંત્ર દ્વારા ઓપરેશન બુલડોઝર શરૂૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન નવગ્રહ મંદિરના કંપાઉન્ડમાં આવેલી એક ગૌશાળા અને ત્રણ માળની ધર્મશાળાને પણ તોડી પાડવામાં આવી હતી.

સંચાલકોએ આક્ષેપ કર્યો હતો કે કોઈ પણ લેખિત નોટિસ વગર અને ગૌશાળામાં ગાયો હાજર હોવા છતાં જેસીબી ફેરવી દેવામાં આવ્યું હતું.આ મામલે હાઈકોર્ટમાં સિવિલ એપ્લિકેશન દાખલ કરવામાં આવી હતી, જેમાં તંત્રની અમાનવીય કાર્યપદ્ધતિને પડકારવામાં આવી હતી.

સુનાવણી દરમિયાન નામદાર હાઈકોર્ટે નોંધ્યું કે વિકાસ કે દબાણ હટાવવાના નામે કાયદાકીય પ્રક્રિયાનો ભંગ ચલાવી લેવાય નહીં. કોર્ટે પૂછ્યું કે- શું અધિકારીઓ કાયદાથી ઉપર છે? નોટિસ વગર કોઈ પણ બાંધકામ તોડવું તે ન્યાયના સિદ્ધાંતોની વિરુદ્ધ છે.

ગૌશાળા તોડતી વખતે પશુઓની વૈકલ્પિક વ્યવસ્થા ન કરવા બદલ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે ગૌશાળાના સ્થળે તાત્કાલિક અસરથી ’સ્ટેટસ ક્વો’ (યથાસ્થિતિ) જાળવવાનો આદેશ આપ્યો છે.
આ ઓપરેશનનું નેતૃત્વ કરી રહેલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણાની ભૂમિકા અંગે કોર્ટે ગંભીર નોંધ લીધી છે. હાઈકોર્ટે રાજ્ય સરકારના મહેસૂલ વિભાગને નિર્દેશ આપ્યો છે કે- ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા લેવાયેલા આ મનસ્વી નિર્ણય સામે વિભાગીય તપાસ કરવામાં આવે.આ ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેમની સામે શિસ્તભંગના પગલાં લેવા માટે રિપોર્ટ રજૂ કરવામાં આવે.

બીજી તરફ, વહીવટી તંત્રનું કહેવું છે કે આ જગ્યા સરકારી હતી અને 40 ફૂટના રસ્તા પર દબાણ હોવાથી યાત્રાળુઓને ભારે હાલાકી પડતી હતી. અગાઉ 17 પીટીશનો હાઈકોર્ટે ફગાવી હતી, પરંતુ ગૌશાળાના કિસ્સામાં પ્રક્રિયાના અભાવે તંત્ર ભીંસમાં મુકાયું છે. હાઈકોર્ટની આકરી નારાજગી બાદ રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે આ મામલે રિપોર્ટ તૈયાર કરવા કલેક્ટરને આદેશ આપ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સરકાર હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરીને અધિકારી સામે લેવાયેલા પગલાંની વિગતો આપશે, જેથી કોર્ટની અવમાનનાથી બચી શકાય.

ચોટીલામાં અત્યારે ગૌશાળાના સ્થળે પોલીસ બંદોબસ્ત વચ્ચે ’યથાસ્થિતિ’ જાળવવામાં આવી રહી છે અને કોઈ પણ નવું બાંધકામ કે તોડફોડ કરવા પર પ્રતિબંધ છે.આ કેસમાં હવે સરકારે 2 અઠવાડિયામાં હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કરવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *