ઇન્કવાયરી રિપોર્ટ આપ્યા વિના કરાયેલી બરતરફી કુદરતી ન્યાયના સિધ્ધાંતો વિરૂધ્ધ, સસ્પેન્શન હેઠળ રાખી ભથ્થુ ચૂકવવા આદેશ
રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં મહાનગરપાલિકાના બે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરને બરતરફ કરવાના મ્યુનિ.કમિશનરના હુકમ સામે હાઇકોર્ટ મનાઇ હુકમ આપ્યો છે અને આગામી સુનાવણી તા.7 ઓગસ્ટે મુકરર કરી છે.
ટીઆરપી ગેમઝોન દુર્ઘટના સંદર્ભે રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન (RMC) દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓ સામે શિસ્તભંગ અને બેદરકારીના પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, આ જ તપાસના સંદર્ભમાં રાજકોટ મ્યુનિસિપલ કોપોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગમાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતા બે કર્મચારીઓ, મુકેશ રામજીભાઈ મકવાણા અને રાજેશ નરશીભાઈ મકવાણા સામે પણ વહીવટી તંત્ર દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. ગેમ ઝોનની દુર્ઘટનામાં કથિત રૂૂપે ફરજમાં બેદરકારી દાખવવા બદલ તેઓની સામે ખાતાકીય તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી.
લાંબી ખાતાકીય પ્રક્રિયાના અંતે, રાજકોટ મ્યુનિસિપલ કોપોરેશન દ્વારા તારીખ 8 જુલાઈ 2026 ના રોજ એક કડક આદેશ પારિત કરવામાં આવ્યો હતો, જેમાં મુકેશ મકવાણાને નોકરીમાંથી બદતરફ ડિસમીસ કરવામાં આવ્યા હતા અને રાજેશ મકવાણાને નોકરીમાંથી રૂૂખસદ આપવામાં આવી હતી. આ નિર્ણયથી બંને અધિકારીઓની કારકિર્દી પર મોટો પ્રશ્નાર્થ લાગી ગયો હતો.
કોપીરેશનના આ અત્યંત આકરા નિર્ણય સામે બંને બરતરફ કરાયેલા અધિકારીઓએ ન્યાય મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. તેમણે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે તેમની સામે જે ખાતાકીય તપાસ કરવામાં આવી છે તે સંપૂર્ણપણે ખામીયુકત અને કુદરતી ન્યાયના સિદ્ધાંતો વિરુદ્ધ છે.
અરજદારોના જણાવ્યા અનુસાર, પ્રશાસને માત્ર એકતરફી કાર્યવાહી કરીને તેમને પોતાનો બચાવ કરવાની કોઈ જ યોગ્ય તક પૂરી પાડી ન હતી. કાયદાકીય જોગવાઈઓ મુજબ કોઈ પણ કર્મચારીને મોટી સજા ફટકારતા પહેલા તેમને તપાસ અહેવાલની નકલ આપવી ફરજિયાત હોય છે, પરંતુ આ કેસમાં કોર્પોરેશન દ્વારા તેમને ઇન્કવાયરી રિપોર્ટ આપવામાં જ આવ્યો ન હતો. અરજદારોના એડવોકેટે ગુજરાત હાઈકોર્ટમાં સ્પષ્ટપણે દલીલ કરી હતી કે જો તેમને તપાસનો રિપોર્ટ જ ન આપવામાં આવે, તો તેઓ પોતાના બચાવમાં અસરકારક રજૂઆત કેવી રીતે કરી શકે ?
એક સરકારી કે અર્ધ-સરકારી કર્મચારી તરીકે તેમને જે મૂળભૂત બંધારણીય અને કાનૂની રક્ષણ મળવાપાત્ર છે, તેનો રાજકોટ મ્યુનિસિપલ કોપીરેશન દ્વારા સરેઆમ ભંગ કરવામાં આવ્યો છે. આ તમામ મુદ્દાઓને આધારે તેમણે એપ્લિકેશન દાખલ કરી હતી.
જસ્ટિસ નિરલ આર. મહેતાની ખંડપીઠે બંને પક્ષોની વિસ્તૃત દલીલો સાંભળ્યા બાદ અને કેસના તમામ રેકોર્ડની ઝીણવટભરી તપાસ કર્યા બાદ નોંધ્યું હતું કે અરજદારોની રજૂઆતમાં પ્રથમદશી રીતે તથ્ય રહેલું છે. કોર્ટે એ બાબતની ગંભીર નોંધ લીધી કે અરજદારોને ઈન્કવાયરી રિપોર્ટ આપ્યા વિના જ તેમની બરતરફી અને રૂૂખસદીનો હુકમ કરવામાં આવ્યો છે, જે કુદરતી ન્યાયના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. આ નિર્વિવાદ હકીકતોને ધ્યાનમાં રાખીને, કોર્ટે તારણ કાઢ્યું કે આ સમગ્ર મામલો ઊંડી તપાસ અને વધુ સુનાવણી માંગી લે છે, કારણ કે વહીવટી તંત્રની આવી કાર્યવાહી સ્વીકારી શકાય નહીં.
આ તમામ કારણો અને દલીલોના આધારે, ગુજરાત હાઈ કોર્ટે તારીખ 27 જુલાઈ 2026 ના રોજ પોતાનો વચગાળાનો મહત્વપૂર્ણ આદેશ સંભળાવ્યો હતો. કોર્ટે રાજકોટ મ્યુનિસિપલ કોપીરેશન દ્વારા તારીખ 8 જુલાઈ 2026 ના રોજ કરાયેલા બરતરફી અને રૂૂખસદીના બંને હુકમો પર તાત્કાલિક અસરથી સ્ટે (મનાઈહુકમ) ફરમાવી દીધો હતો.
કોર્ટે સ્પષ્ટ આદેશ કયો હતો કે જયાં સુધી આ કેસની અંતિમ સુનાવણી પૂર્ણ ન થાય અને કોઈ આખરી નિર્ણય ન આવે, ત્યાં સુધી આ બંને કર્મચારીઓને ‘ડીસમીસ’ થયેલા નહીં પરંતુ સસ્પેન્શન (નિલંબન) હેઠળ ગણવામાં આવશે એટલે કે નોકરીમાંથી ડિસમિસ કર્યાની પોઝીશન રદ કરીને નોકરીમાં ચાલુ રાખવા હુકમ કરેલ છે અને તેમને તે મુજબના લાભો મળશે. આનાથી કાયદા મુજબ સસ્પેન્શન દરમિયાન મળવાપાત્ર નિવાહ ભથ્થું કોપીરેશને આ બંને અધિકારીઓને નિયમિતપણે ચૂકવવું પડશે. કોર્ટે આ મામલે કોપીરેશનને નોટિસ ઇશ્યૂ કરીને આગામી તારીખ 7 ઓગસ્ટ 2026 ના રોજ વધુ સુનાવણી મુકરર કરી છે.
આ મહત્વપૂર્ણ કેસમાં અરજદારો વતી અમદાવાદ ગુજરાત હાઈકોર્ટના જાણીતા, સિનીયર એડવોકેટ્સ આનંદ બી. ગોગીયા, મુસ્કાન એ. ગોગીયા, કાજલ એલ. કલવાણી, ગૌરવ એ. ગોગીયા તથા સંજના જી. ગોગીયા રોકાયેલા હતા.
