નવી એડવાઇઝરી જાહેર, મુસાફરોએ 3 કલાક વહેલું પહોંચવુ પડશે
26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ ફરી એકવાર સતર્ક બની ગઈ છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ’હાઈએલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. સુરક્ષાના કારણોસર મુસાફરો માટે નવી એડવાઈઝરી જાહેર કરાઈ છે, જે આગામી 31 જાન્યુઆરી સુધી જારી રહેશે.
અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા એટલી ચુસ્ત કરી દેવામાં આવી છે કે હવે પેસેન્જરોએ ફ્લાઈટમાં બેસતા પહેલા બે વખત સઘન ચેકિંગમાંથી પસાર થવું પડશે. ખાસ કરીને હેન્ડ લગેજનું બે-બે વખત ચેકિંગ કરવામાં આવશે. ડોમેસ્ટિક એરલાઈન્સ કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતી ન હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
એરપોર્ટ પર પોલીસ અને CISF (સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ) દ્વારા સુરક્ષા વધારી દેવામાં આવી છે. મુસાફરોના સામાનની તપાસ માટે સી આઈ એસએફ દ્વારા ડોગ સ્કવોર્ડની મદદ લેવામાં આવી રહી છે, જેથી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ પકડી શકાય. વધારાના ચેકિંગ અને સુરક્ષા પ્રોટોકોલને કારણે પેસેન્જરોને ફ્લાઈટના નિર્ધારિત સમય કરતાં ઓછામાં ઓછા 3 કલાક વહેલા એરપોર્ટ પર પહોંચવાની સલાહ આપવામાં આવી છે.
અમદાવાદ એરપોર્ટ પર હાલમાં પ્રતિદિન અંદાજે 260 ફ્લાઈટોની અવરજવર રહે છે, જેમાં આશરે 36 હજાર જેટલા મુસાફરો પ્રવાસ કરે છે. પ્રજાસત્તાક દિવસના પર્વ પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એરપોર્ટ પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ દ્વારા શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.
