સાદગીના ગુણો ભૂલીને ભપકા સાથે આશ્રમની ગરીમાને નુકશાન પહોંચાડાતો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ; સેવકના પ્રસંગ માટે ભાડે આપ્યાનો ગુજરાત વિદ્યાપીઠનો દાવો
મહાત્મા ગાંધીએ અમદાવાદમાં સ્થાપેલા કોચરબ આશ્રમમાં લગ્નનું પ્રસંગનું આયોજન થતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કોચરબ આશ્રમમાં લગ્ન પ્રસંગનો આયોજનનો વીડિયો વાઇરલ થયો છે. આ લગ્ન પ્રસંગમાં ડીજેમાં કજરા રે…કજરા રે…સહિતના સોંગ્સ પર મહેમાનો ડાન્સ કરતા પણ નજરે પડી રહ્યા છે. માત્ર એટલું જ નહીં ત્યાં જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોચરબ આશ્રમમાં ગુજરાત વિદ્યાપીઠના કર્મચારીના દીકરાના લગ્ન હતા. ગઈકાલે સંગીત સંધ્યા અને આજે લગ્નનું આયોજન કરાયું છે. ગુજરાત વિદ્યાપીઠના કર્મચારીઓને પ્રસંગ માટે આશ્રમ ભાડે અપાતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ વિવાદ મામલે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ હર્ષદ પટેલે જણાવ્યું કે, આશ્રમના ઇવેન્ટ સેન્ટરમાં આ વિધિ થઈ છે. આશ્રમમાં એક એક્ટિવિટી સેન્ટર પણ છે અને જેને હમણાં જ ડેવલપ કરવામાં આવ્યું છે. વર્ષો થી પરંપરા છે કે સેવકો હોય તેમના સારા માઠા પ્રસંગો અહીં થતા હોય છે. ગાંધીજી આફ્રીકાથી આવ્યા ત્યારે તેમણે તેમના ભાણેજ મગનલાલ ગાંધીના લગ્ન પણ કોચરબ આશ્રમમાં કરાવ્યા હતા. કોમર્શિયલ એક્ટિવિટી માટે આશ્રમ નથી આપ્યો, સેવકના પારિવારિક પ્રસંગ માટે આપવામાં આવ્યો છે.
ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા તે સૌથી પહેલા કોચરબ ખાતેના આશ્રમમાં રહ્યા હતા. જે બાદ કોચરબ આશ્રમ સત્યાગ્રહ આશ્રમ તરીકે ઓળખાયો. તમામ પ્રકારના મોટા આયોજનો કોચરબ આશ્રમથી થયા હતા. ત્યારબાદ ગાંધીજી સાબરમતી આશ્રમ આવ્યા હતાં. કોચરબ આશ્રમ ગાંધીજી અને સત્યાગ્રહની ઐતિહાસિક ધરોહર છે. ગાંધીજીની વિરાસતને નુકશાન પહોંચાડવાનું કામ સત્તાધીશોએ કર્યું છે.
વધુમા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ઐતિહાસિક ધરોહરનું માન સન્માન જણવાય તે ખૂબ જરૂૂરી છે. ગાંધીજીની વિરાસતને નુકશાન થાય તેવું સુનિયોજિત આયોજન થઈ રહ્યું છે.આ નુકશાન ભાજપના સત્તાધિશો અને દેશના સત્તાધીશો કરી રહ્યા છે.
કોચરબઆશ્રમ ભારતની આઝીદીની ચળવળના નેતા ગાંધીજી દ્વારા શરૂૂ કરેલો પ્રથમ આશ્રમ હતો. 25 મે, 1915ના રોજ તેની સ્થાપના કરાઈ હતી. દક્ષિણ આફ્રિકાથી આવ્યા પછી, તેમના દ્વારા શરૂૂ કરેલ પ્રથમ આશ્રમ હતો.
વિદ્યાર્થીઓ-નવયુવાનો માટે સત્યાગ્રહ, સ્વરોજગાર, સ્વદેશી ચીજોના હિમાયતી, ગરીબો, મહિલાઓ અને અસ્પૃશ્યોના ઉદ્વાર માટેના કાર્યો, જાહેર શિક્ષણ, જાહેર શૌચાલય અંગેના ગાંધીજીના વિચારોના અભ્યાસ માટેનું મુખ્ય કેન્દ્ર હતું. આશ્રમનું નિર્માણ સાદગી, સમાનતા જેવા સિદ્ધાંતો પર કરાયું હતું.
