આખા રાજકોટને અપ્સરાની માફક સાજ-શણગારમાં રાત-દિવસ જોતરાયું સરકારી દળકટક
કયારેય જોવા મળી ન હોય તેવી સફાઈ, ઓવરબ્રીજ બન્યા ચિત્રનગરી, રૂટમાં આવતાં મકાનો પણ સરકારી ખર્ચે રંગી દેવાયા
વિદેશી ડેલિગેટ્સ પોકારી ઉઠશે….‘આહ રાજકોટ, વાહ રાજકોટ’, રંગરોગાનથી શહેર રંગારંગ
રાજકોટમાં આગામી તા.11મીથી રિજીયોનલ વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરાયું છે અને આ વાઈબ્રન્ટ સમિટનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉદઘાટન કરનાર છે તેમજ રોડ શો પણ યોજે પણ તેવી શકયતા છે. ઉપરાંત ભારત સિવાયના 23 દેશના પ્રતિનિધિઓ પણ વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેનાર હોય, વિદેશીઓમાં રાજકોટની છાપ ખરડાય નહીં તેમજ વડાપ્રધાનની નજરે ગંધારૂ ગોબરું રાજકોટ ચડી જાય નહીં તે માટે એરપોર્ટથી માંડી વાઈબ્રન્ટ સમિટના સ્થળ મારવાડી યુનિવર્સિટી સુધી તેમજ શહેરના જે વિસ્તારોમાં વિદેશી ડેલિગેસ્ટ હરવા ફરવા નીકળે તેમ છે તે તમામ વિસ્તારોમાં અત્યાર સુધી જોવા મળી ન હોય તેવી સાફ સફાઈ અને રંગરોગાન જોવા મળી રહ્યાં છે.
શહેરના તમામ ઓવરબ્રીજ સુંદર ચિત્રનગરીમાં ફેરવાઈ ગયા છે તો રસ્તા અને ફુટપાથો ચકાચક થઈ ગયા છે.
વડાપ્રધાનના રૂટ પરથી સ્પીડ બ્રેકર્સ પણ ગાયબ કરી દેવામાં આવ્યા છે તેમજ વૃક્ષોની પણ આકર્ષક ડિઝાઈનથી રંગી નાખવામાં આવ્યા છે. વડાપ્રધાનના રૂટ ઉપર આવેલા ખાનગી મકાનો-દુકાનોને પણ સરકારી ખર્ચે એક સરખા કલરથી રંગી આકર્ષક લુક આપી દેવામાં આવ્યો છે.
મહેમાનો અને વડાપ્રધાન રાજકોટ આવે ત્યારે ‘આહ રાજકોટ, વાહ રાજકોટ’ પોકારી જાય તેવું વાતાવરણ ઉભુ કરવામાં વિશાળ સરકારી દળકટક રાત દિવસ કામે લાગ્યું છે.ચોમાસાના સમયે શહેરના મુખ્યમાર્ગોથી માંડી નાની શેરીઓના રસ્તાઓ ભાંગીને ભુક્કો થઈ ગયા હતાં. શહેરી જનોએ ઠેરઠેર વિરોધ નોંધાવી મોરચા કાઢયા હતાં. પરંતુ મહાનગર પાલિકાના સત્તાવાળાઓ લાંબો સમય સુધી રીપેર કરી શકયા ન હતાં. જ્યારે રાજકોટમાં વાઈબ્રન્ટ રીજીયોનલ સમિટ જાહેર થઈ અને વડાપ્રધાન પણ આવી રહ્યાં છે ત્યારે કોર્પોરેશનના તંત્રએ ચમત્કાર સર્જયો હોય તેમ ગણતરીના દિવસોમાં સમગ્ર શહેરની શિકલ બદલી નાખી છે. આ નજારો જોઈને નાગરિકો બોલી રહ્યાં છે કે, ભીંસ પડે અને દાનંત હોય તો તંત્ર બધુ કરી શકે છે.
