માણાવદર સટ્ટા બજાર વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ, આડેધડ પાર્કિંગથી વાહનચાલકો પરેશાન

માણાવદર શહેરમાં હાલમાં ચાલી રહેલા વિકાસકામો અને વાહનચાલકોની બેદરકારીના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ છે. આજે શહેરના મુખ્ય સટ્ટા બજાર વિસ્તારમાં કલાકો સુધી ભારે ટ્રાફિક…

માણાવદર શહેરમાં હાલમાં ચાલી રહેલા વિકાસકામો અને વાહનચાલકોની બેદરકારીના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ છે. આજે શહેરના મુખ્ય સટ્ટા બજાર વિસ્તારમાં કલાકો સુધી ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો, જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી અને સ્થાનિકો તેમજ વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

મળતી માહિતી મુજબ, માણાવદર શહેરમાં મિતડી રોડ અને સિનેમા ચોક વિસ્તારમાં રોડ બનાવવાનું કામકાજ ચાલી રહ્યું છે. આ મુખ્ય રસ્તાઓ બંધ હોવાથી મોટાભાગના વાહનો ડાયવર્ઝન લઈને સટ્ટા બજાર તરફ આવી રહ્યા છે. સટ્ટા બજાર ચાર રસ્તા પર આવેલું હોવાથી અને તમામ દિશાઓમાંથી વાહનોનો ધસારો વધતા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.

આ ટ્રાફિક જામ પાછળ રોડના કામ ઉપરાંત વાહનચાલકોની શિસ્તહીનતા પણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. બજારમાં ખરીદી કરવા આવતા લોકો પોતાના વાહનો દુકાનોની આસપાસ ગમે તેમ પાર્ક કરી દે છે, જેના કારણે રસ્તો સાંકડો બની જાય છે અને વાહનવ્યવહાર અવરોધાય છે.

ટ્રાફિકની સ્થિતિને કાબૂમાં લેવા માટે ઘટનાસ્થળે બે જીઆરડી મહિલાઓ તૈનાત હોવા છતાં ટ્રાફિક ક્લિયર કરાવી શકાયો ન હતો. વાહનોની સંખ્યા એટલી વધારે હતી કે ટ્રાફિક નિયમન કરનાર સ્ટાફ પણ ટ્રાફિક હળવો કરવામાં લાચાર સાબિત થયો હતો.

આ અંગે ફરજ પરના એક મહિલા જી.આર.ડી. જવાને જણાવ્યું હતું કે, વાહનચાલકો પોતાના વાહનો શિસ્તબદ્ધ રીતે પાર્ક કરવાના બદલે ચાલુ રસ્તા પર જ મૂકી દે છે અને કહેવા છતાં વાહનો હટાવતા નથી. માણાવદર નગરપાલિકાના સદસ્ય નિશાર ઠેબાએ સૂચન કર્યું હતું કે જ્યાં સુધી રોડના કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે અને આડેધડ પાર્કિંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *