ચોમાસાની જામતી સિઝન વચ્ચે રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે સ્થાનિક વહીવટી તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. કોઈપણ આકસ્મિક પૂર કે આપત્તિની સ્થિતિને પહોંચી વળવા માટે આગોતરા આયોજનના ભાગરૂૂપે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની 25 સભ્યોની એક ખાસ ટીમ રાજકોટ જિલ્લાના સંવેદનશીલ ગણાતા ઉપલેટા શહેરમાં ધામા નાખ્યા છે.
ઉપલેટા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારો મોજ અને ભાદર નદીના કાંઠે આવેલા છે. આ ભૌગોલિક સ્થિતિને કારણે ભારે વરસાદ દરમિયાન અહીં પૂરની પરિસ્થિતિ સર્જાવાનું જોખમ હંમેશા વધારે રહે છે. આથી, નીચાણવાળા વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી કોઈપણ વિલંબ વિના ઝડપથી શરૂૂ કરી શકાય તે હેતુથી NDRFની ટીમે ઉપલેટાને પોતાનું મુખ્ય મથક (બેઝ) બનાવ્યું છે.
ઉપલેટા પહોંચતાની સાથે જ NDRFની ટીમે સ્થાનિક તંત્ર સાથે મળીને રાહત કામગીરીની રૂૂપરેખા તૈયાર કરી હતી NDRFના કમાન્ડિંગ અધિકારીઓ અને સ્થાનિક વહીવટી તંત્ર (મામલતદાર અને ટીડીઓ) વચ્ચે પરિસ્થિતિની સમીક્ષા માટે તાત્કાલિક એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ટીમ દ્વારા ઉપલેટા અને આસપાસના આપત્તિજનક વિસ્તારોનું ઝીણવટભર્યું મેપિંગ કરવામાં આવ્યું છે. આ બેઠક બાદ તૈયાર કરાયેલા વિસ્તૃત રિપોર્ટમાં ટીમ પાસે ઉપલબ્ધ બોટ, લાઈફ જેકેટ, કટર અને અન્ય આધુનિક રેસ્ક્યૂ સાધનોની વિગતો આવરી લેવામાં આવી છે અને આ રિપોર્ટ રાજકોટ જિલ્લા કલેક્ટરને મોકલી આપવામાં આવ્યો છે.
