સારથિ પોર્ટલ ઠપ થતાં 15 હજાર અરજદારો અટવાયા

ટેક્નિકલ ખામી સર્જાતા લાયસન્સ રિન્યુઅલ, સુધારા અને અન્ય ઓનલાઈન સેવાઓ ખોરવાઈ; છઝઘ ખાતે કામગીરી પર અસર રાજ્યભરના વાહનચાલકો અને અરજદારો માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતું કેન્દ્રીય…

ટેક્નિકલ ખામી સર્જાતા લાયસન્સ રિન્યુઅલ, સુધારા અને અન્ય ઓનલાઈન સેવાઓ ખોરવાઈ; છઝઘ ખાતે કામગીરી પર અસર

રાજ્યભરના વાહનચાલકો અને અરજદારો માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતું કેન્દ્રીય ઓનલાઈન પ્લેટફોર્મ ’સારથિ પોર્ટલ’ મંગળવારે સવારે ફરી એકવાર અચાનક ઠપ થઈ જતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોર્ટલમાં સર્જાયેલી મોટી ટેકનિકલ ખામીના કારણે અમદાબાદ સહિત ગુજરાતના 39 આરટીઓ (RTO) ખાતે લાયસન્સને લગતી તમામ સેવાઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી, જેના લીધે આશરે 15,000થી વધુ અરજદારોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

પોર્ટલ બંધ થઈ જવાના કારણે લાયસન્સ સંબંધિત લગભગ તમામ મહત્વપૂર્ણ કામગીરી અટકી પડી હતી. જેમાં મુખ્યત્વે લર્નિંગ લાયસન્સની પરીક્ષાઓ, ડ્રાઇવિંગ લાયસન્સનું રિન્યુઅલ, તેમજ હયાત લાયસન્સમાં નામ કે સરનામા જેવા વ્યક્તિગત સુધારા-વધારાની કામગીરી સ્થગિત થઈ ગઈ હતી. અગાઉથી એપોઇન્ટમેન્ટ બુક કરાવીને આવેલા અરજદારો પોર્ટલ એક્સેસ ન થવાને કારણે પોતાની પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા ન હતા, જેથી તેઓને ભારે ધક્કા ખાવાની સાથે નવી તારીખની એપોઇન્ટમેન્ટ લેવાની ફરજ પડી હતી.

આ ટેકનિકલ ખામીની સૌથી માઠી અસર લર્નિંગ લાયસન્સ મેળવવા ઈચ્છતા અરજદારો પર પડી હતી. શહેરની વિવિધ આઈટીઆઈ ખાતે સવારના સ્લોટમાં યોજાનારી લર્નિંગ લાયસન્સ ટેસ્ટ સિસ્ટમ ખોરવાઈ જવાના કારણે રદ કરવી પડી હતી. સવારથી જ લાઈનમાં ઊભેલા અરજદારોને પરીક્ષા આપ્યા વગર જ પરત ફરવું પડ્યું હતું અને હવે તેઓએ ફરીથી નવી એપોઇન્ટમેન્ટ મેળવવી પડશે. આ ઉપરાંત લાયસન્સ રિન્યુઅલ અને સુધારા અર્થે આવેલા લોકો પણ કલાકો સુધી રાહ જોયા બાદ નિરાશ થઈને પરત ફર્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *