‘ખલાસીઓના મોત, જહાજો પર હુમલા સ્વીકાર્ય નથી..’ હોર્મુઝ સ્ટ્રેટ પર ભારતનું યુએનને અલ્ટીમેટમ

  ઈરાન- અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ હુમલાઓનું સતત કેન્દ્રબિંદુ રહ્યું છે, જે મોટાભાગના દેશો માટે નોંધપાત્ર ચિંતાનું કારણ બન્યું…

 

ઈરાન- અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ હુમલાઓનું સતત કેન્દ્રબિંદુ રહ્યું છે, જે મોટાભાગના દેશો માટે નોંધપાત્ર ચિંતાનું કારણ બન્યું છે. હાલમાં યુદ્ધવિરામ અમલમાં હોવા છતાં, બંને પક્ષો દ્વારા હોર્મુઝને નિશાન બનાવવાના દાવાઓ ચાલુ છે. ભારત પણ હોર્મુઝમાં કટોકટી અંગે ઊંડી ચિંતામાં છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે હોર્મુઝમાં વાણિજ્યિક જહાજોને નિશાન બનાવવાના જોખમો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી, ભારપૂર્વક જણાવ્યું હતું કે જહાજોને નિશાન બનાવવાનું ગેરવાજબી અને સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.

યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ, રાજદૂત હરીશ પી.એ મધ્ય પૂર્વ ક્ષેત્રમાં પ્રવર્તમાન તણાવ વચ્ચે સંયમ અને તણાવ ઓછો કરવા અપીલ કરી હતી, જ્યારે ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા જહાજો માટે સલામત માર્ગ તાત્કાલિક પુનઃસ્થાપિત કરવાની વિનંતી કરી હતી. હોર્મુઝ એક મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે, જે ઈરાન અને ઓમાન વચ્ચે સ્થિત છે, જેના દ્વારા વિશ્વના તેલ વેપારનો લગભગ 20 ટકા હિસ્સો થાય છે.

સયુંકત રાષ્ટ્ર મહાસભામાં “મધ્ય પૂર્વની પરિસ્થિતિ” પર વીટો પહેલ હેઠળ યોજાયેલી ચર્ચા દરમિયાન ભારતનું પ્રતિનિધિત્વ કરતા હરીશ પીએ કર્યું હતું. તેમને ભાર પૂર્વક જણાવ્યું હતું કે ભારતના ઉર્જા અને આર્થિક હિતોનું રક્ષણ કરવા માટે દરિયાઈ સુરક્ષા અત્યંત આવશ્યક છે. તેમણે કહ્યું, “ભારત માટે, તેની ઉર્જા અને આર્થિક સુરક્ષાના સંદર્ભમાં, હોર્મુઝ દ્વારા વાણિજ્યિક જહાજોની અવરજવર ગંભીર ચિંતાનો વિષય છે. ભારત ખેદ સાથે નોંધે છે કે, આ સંઘર્ષ દરમિયાન, વાણિજ્યિક જહાજો પર લશ્કરી હુમલાઓ થયા છે.”

સંઘર્ષ વચ્ચે સંયમ રાખવાની હાકલ કરતા ભારતીય પ્રતિનિધિએ ટિપ્પણી કરી, “28 ફેબ્રુઆરીએ ઈરાન અને ગલ્ફ ક્ષેત્રમાં દુશ્મનાવટ ફાટી નીકળ્યા પછી, ભારતે પરિસ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. અમે બધા રાષ્ટ્રોને સંયમ રાખવા, તણાવ વધારવાના પગલાં લેવાથી દૂર રહેવા અને નાગરિકોની સલામતી અને સુરક્ષાને પ્રાથમિકતા આપવા વિનંતી કરી છે. અમે તમામ પક્ષોને સંવાદ અને રાજદ્વારી દ્વારા આગળ વધવા, પ્રદેશમાં તણાવ ઓછો કરવા અને મુખ્ય મુદ્દાઓને ગંભીરતાથી સંબોધવા હાકલ કરી છે.” તેમણે એમ પણ કહ્યું કે તેઓએ બધા રાષ્ટ્રોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા માટે આદરની અપીલ કરી છે.

ભારતીય રાજદૂતે વધુમાં નોંધ્યું હતું કે ભારતીય નાગરિકો પણ અખાતમાં ચાલી રહેલા સંઘર્ષનો ભોગ બન્યા છે. તેમણે જણાવ્યું હતું કે, “આ સંઘર્ષ દરમિયાન, વિવિધ જહાજોમાં સવાર ઘણા ભારતીય ખલાસીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. અમે પુનરોચ્ચાર કરીએ છીએ કે વાણિજ્યિક જહાજોને નિશાન બનાવવા, નિર્દોષ નાગરિકો અને ક્રૂ સભ્યોને જોખમમાં મૂકવા, અથવા કોઈપણ રીતે હોર્મુઝ સ્ટ્રેટમાં નેવિગેશન અને વેપારની સ્વતંત્રતાને અવરોધવા અસ્વીકાર્ય છે. આ સંદર્ભમાં, આંતરરાષ્ટ્રીય કાયદાનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “અમે ભારપૂર્વક વિનંતી કરીએ છીએ કે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા જહાજોની સલામત અને અવરોધ વિનાની હિલચાલ, તેમજ વૈશ્વિક વેપાર, શક્ય તેટલી વહેલી તકે પુનઃસ્થાપિત કરવામાં આવે.” અગાઉ, ભારતે યુકેમાં યોજાયેલી 60 થી વધુ દેશોની બેઠકમાં ભાગ લીધો હતો, જેનો હેતુ મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટ માર્ગને ફરીથી ખોલવાના માર્ગો પર ચર્ચા કરવાનો હતો; યુએસ, ઇઝરાયલ અને ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષને કારણે આ માર્ગ લગભગ એક મહિનાથી ખોરવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *