કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાનો કહેર યથાવત : વધુ બેના શ્ર્વાસ થંભી ગયા

હડાળાના પાટિયા પાસે સેન્ટિંગ કામ કરતા આધેડ અને આંબડેકરનગરમાં રિક્ષાચાલક પ્રૌઢ બેભાન હાલતમાં ઢળી પડતાં મોત રાજકોટ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાનો કહેર…

હડાળાના પાટિયા પાસે સેન્ટિંગ કામ કરતા આધેડ અને આંબડેકરનગરમાં રિક્ષાચાલક પ્રૌઢ બેભાન હાલતમાં ઢળી પડતાં મોત

રાજકોટ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાનો કહેર યથાવત હોય તેમ વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં હડાળાના પાટીયા પાસે સેન્ટીંગ કામ કરતા આધેડ અને આંબડેકરનગરમાં રિક્ષા ચાલક પ્રૌઢ બેભાન હાલતમાં ઢળી પડતા મોત નીપજ્યા હતા.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ભગવતીપરા વિસ્તારમાં આવેલા જયપ્રકાશ નગરમાં રહેતા નવીનભાઇ રામજીભાઇ લીંબડ નામના 55 વર્ષના આધેડ બપોરના સાડા બારેક વાગ્યાના અરસામાં હડાળા ગામના પાટીયા પાસે બાંધકામ સાઇટ પર હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે આધેડને હાર્ટએટેકથી મોત નીપજ્યુ હોવાનુ જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. મૃતક આધેડ છ ભાઇ એક બહેનમાં નાના હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. મૃતક આધેડ સેન્ટીંગ કામ કરતા હતા. ત્યારે આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો હોવાનુ જાણવા મળ્યુ છે.

આ ઉપરાંત બીજા બનાવમાં ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ આવેલા આંબડેકરનગરમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હેંમતભાઇ ડાયાભાઇ પરમાર નામના 49 વર્ષના પ્રૌઢ સવારના સમયે પોતાના ઘરે હતા. ત્યારે હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયા તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી. મૃતક પ્રૌઢ ત્રણભાઇમાં વચેટ હતા અને તેમને સંતાનમાં બે પુત્ર છે. ઉપરોકત બંન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *