શહેરમાં વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા લોકોને બચાવવા પોલીસ દ્વારા લોકદરબાર યોજવામાં આવે છે. આમ છતાં પોલીસની કોઈ બીક જ ન હોય તેમ અવારનવાર વ્યાજખોરોનો ભોગ બનેલા લોકો આપઘાત કે આપઘાતનો પ્રયાસ કરી લેતાં હોવાના બનાવ સામે આવતાં રહે છે ત્યારે વધુ એક બનાવમાં કોઠારીયા રોડ વિસ્તારમાં રહેતાં કારખાનેદારે વ્યાજે લીધેલા દોઢ લાખના 20 લાખ ચુકવ્યા છતાં વ્યાજખોર વધુ 15 લાખની માંગણી કરી ત્રાસ આપતો હોય જેથી કંટાળી કારખાનેદાર યુવાને પોલીસ કમિશનર કચેરી પાસે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરી લેતાં ચકચાર મચી જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ, કોઠારીયા રોડ પર નંદા હોલ પાછ
ળ આવેલી ખોડીયાર સોસાયટી શેરી નં.4માં રહેતાં કલ્પેશ સુરેશભાઈ હિરપરા (ઉ.25) નામના કારખાનેદાર યુવાને આજે સવારે પોલીસ કમિશ્નર કચેરી પાસે રોડ પર ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે તાત્કાલીક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્ર.નગર પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં આપઘાતનો પ્રયાસ કરનાર કલ્પેશ હિરપરા એક ભાઈ એક બહેનમાં મોટો અને ગોંડલ રોડ પર રિધ્ધી સિધ્ધી સોસાયટી પાસે જય બજરંગ ઈન્ડસ્ટ્રીઝ નામે કારખાનું ધરાવી મજુરી કામ કરે છે. તેણે અગાઉ નાણાની જરૂરીયાત ઉભી થતાં મિત્ર રાજેશ મનસુખભાઈ કોટડીયા પાસેથી રૂા.દોઢ લાખ લીધા હતાં. બાદમાં મિત્રએ વ્યાજ વસૂલવાનું શરૂ કરતાં તેણે રૂા.દોઢ લાખના 20 લાખ ચુકવી દીધા હતાં. આમ છતાં વ્યાજખોર દ્વારા વધુ 15 લાખની માંગણી કરી અવારનવાર હેરાન કરતો હતો. અગાઉ તેને ત્રણ વખત માર મારવામાં આવ્યો હોવા છતાં પોલીસ દ્વારા તેની ફરિયાદ લેવામાં આવતી ન હોય અને સમાધાન કરી આરોપીએ છ કોરા ચેક પડાવી લીધા હતાં અને આ ચેક પૈકી એક ચેક દર્પણ હસમુખભાઈ પાનસુરીયાએ બેંકમાં વટાવતાં તેને નોટિસ આવી હતી.
આ ઉપરાંત આરોપીના વકીલ તરંગ બાલધાની ઓફિસમાં ડરાવી ધમકાવી સમજુતી કરારમાં સહીઓ કરાવી લીધી હતી અને વકીલની ઓફિસમાં જ તેને માર મારવામાં આવ્યો હતો. આમ કારખાનેદાર અને તેનો પરિવાર કંટાળી ગયો હોય જે અંગે કારખાનેદારે અગાઉ આરોપીઓ સામે પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી ન્યાય અપાવવા માંગ કરી હતી. આમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં અંતે કારખાનેદારે આજે પોલીસ કમિશ્નર કચેરી પાસે જ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો.
