હૃદયરોગનો હુમલો: રાજકોટ અને મોરબીના બે લોકોના હાર્ટફેઇલ

હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ બે બનાવમાં રાજકોટમાં પુત્રીના ઘરે આટો મારવા આવેલા…

હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ બે બનાવમાં રાજકોટમાં પુત્રીના ઘરે આટો મારવા આવેલા પિતાનું અને મોરબીના પંચાસર ગામે યુવાનનું હૃદય રોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં આવેલ શિવ શક્તિ પાર્કમાં રહેતા હરેશભાઈ માવજીભાઈ મૂળિયા નામના 53 વર્ષના આધેડ રાજકોટમાં આવેલ જીવરાજ પાર્કમાં લાભુભાઈ પારેખ ટાઉનશિપમાં રહેતી પુત્રી મયુરીબેન અમિતભાઈ સોલંકીના ઘરે હતા. ત્યારે સાંજના ચારેક વાગ્યાના અરસામાં તેમને અચાનક હદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. આધેડને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક આધેડને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે અને 15 દિવસથી બીમારીના કારણે દવા લેવા આવ્યા હતા અને પુત્રીના ઘરે રોકાયા હોવાનું જાણવા મળ્યું છે.

જ્યારે બીજા બનાવમાં મોરબીના પંચાસર ગામે રહેતો રવજીભાઈ ત્રિભુવનભાઈ સવસાણી નામનો 42 વર્ષનો યુવાન રાત્રીના આઠેક વાગ્યાના સમયે પોતાના ઘરે હતો. ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતા તાત્કાલિક સારવાર માટે મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે યુવાનનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં રવજીભાઈ ત્રણ ભાઈ અને બે બહેનમાં વચ્ચેટ હતા અને તેમને સંતાનમાં બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *