હૃદયરોગના હુમલાનો ઉપાડો: વધુ બે માનવ જિંદગી ધબકારા ચૂકી ગઈ

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક લોકોના શ્ર્વાસ થંભી ગયા હોવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ બે બનાવોમાં…

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક લોકોના શ્ર્વાસ થંભી ગયા હોવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ બે બનાવોમાં નવા થોરાળામાં પ્રૌઢા અને સદ્ભાવના વૃધ્ધાશ્રમમાં વૃધ્ધનું હૃદયરોગના હુમલાથી મોત નિપજતાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, નવા થોરાળા વિસ્તારમાં આવેલી સર્વોદય સોસાયટીનાં ખુણા પાસે રહેતાં મંજુબેન હસમુખભાઈ મકવાણા (ઉ.49) પોતાના ઘરે હતા ત્યારે રાત્રીનાં સમયે બેભાન હાલતમાં ઢળી પડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મંજુબેન મકવાણાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. મૃતક મંજુબેનને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે.

આ ઉપરાંત બીજા બનાવમાં ગોંડલ રોડ પર આવેલા સદ્ભાવના વૃધ્ધાશ્રમમાં આશ્રય લઈ રહેલા પારસભાઈ નવીનભાઈ મહેતા નામના 60 વર્ષના વૃધ્ધને હૃદયરોગનો હુમલો આવતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *