દોઢ વર્ષથી મૈત્રી કરાર કરી રહેતી મુસ્લિમ યુવતીએ બે જોડિયા પુત્રને જન્મ આપ્યા બાદ મોત નીપજ્યું
મૃતકના માતાએ કહ્યું,ઝનાના હોસ્પિટલના તબીબોએ સરખું ધ્યાન આપ્યું હોત તો મારી દીકરી આજે જીવતી હોત
રાજકોટમાં સિવિલ હોસ્પિટલના ઝનાના વોર્ડના તબીબોની ગંભીર બેદરકારી સામે આવ્યાનો આક્ષેપ પરિવારે લગાવ્યો છે. મોરબી રોડ પર સેટેલાઇટ ચોક પાસે રહેતી મહેકબેન અલ્પેશભાઈ તન્ના (ઉ.વ.19) નામની યુવતીનું સુવાવડ બાદ વધુ પડતું લોહી વહી જવાને કારણે સિવિલ હોસ્પિટલમાં કરુણ મોત નીપજ્યું છે. જોડિયા બાળકોના જન્મની ખુશી માતમમાં ફેરવાતા પરિવારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગતો આપતા બી-ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ જે.આર. સોલંકીએ જણાવ્યું હતું કે, મૂળ મુસ્લિમ સમુદાયની યુવતી મહેકે આશરે દોઢ વર્ષ પૂર્વે હિન્દુ યુવક અલ્પેશ તન્ના સાથે મૈત્રી કરાર કર્યા હતા.મૈત્રી કરાર બાદ બંને પરિવારોની રાજીખુશીથી સાથે રહેતા હતા. ગત તારીખ 21ના રોજ મહેકે બે જોડિયા પુત્રને જન્મ આપ્યો હતો.
બાળકોના જન્મ બાદ મહેકને અચાનક વધુ પડતું લોહી વહી ગયું હતું અને અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસીને મૃત જાહેર કરી હતી. પરિવારે ઝનાના હોસ્પિટલના તબીબો સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, ડિલિવરી બાદ હોસ્પિટલના સ્ટાફ કે તબીબો દ્વારા મહેક પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું ન હતું, જેના કારણે સમયસર સારવાર ન મળતા તેનું મોત નીપજ્યું છે. હાલ પોલીસે ફોરેન્સિક પીએમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા ચક્રો ગતિમાન કર્યા છે.
દીકરી ગુમાવનાર આક્રંદ કરતા પરિવારે સિવિલના તબીબોની કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો. મૃતક મહેકની માતાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે,ઝનાના હોસ્પિટલમાં મારી દીકરીને ડિલિવરી થયા બાદ જે પ્રકારની કાળજી રાખવી જોઈએ તેવી કોઈ યોગ્ય સારવાર આપવામાં આવી ન હતી. લોહી વહી જવાની ફરિયાદ છતાં ડોક્ટરોએ કોઈ ધ્યાન દીધું નહોતું. જો તબીબોએ સમયસર અને જવાબદારીપૂર્વક ધ્યાન આપ્યું હોત, તો આજે મારી દીકરી અમારી વચ્ચે જીવતી હોત.
