હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ ઉનાળાની શરૂૂઆત થઈ ગઈ હોવા છતાં પણ કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ બે લોકોના હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યા છે. જેમાં રાજકોટમાં આધેડ અને બાબરામાં પ્રૌઢને આવેલો હદયરોગનો હુમલો જીવલેણ નિવડતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં દોઢસો ફૂટ રીંગ રોડ ઉપર આવેલ આસ્થા રેસિડેન્સીમાં રહેતા મુકેશભાઈ વલ્લભભાઈ જીવાણી નામના 58 વર્ષના આધેડ સવારના બપોરના બે વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે ત્યાં તેમને હદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. આધેડને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઈમાં મોટા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
બીજા બનાવમાં બાબરામાં આવેલા દાનેવનગરમાં રહેતા મયંકસિંહ દેશળભાઈ પરમાર નામના 44 વર્ષના પ્રૌઢ બપોરના અરસામાં પોતાના ઘરે બેભાન હાલતમાં ઢળી પડતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે જોઈ તપાસી પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મોત નિપજયુ હોવાનું જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક તપાસમાં મયંકસિંહ પરમાર ત્રણ ભાઈ એક બહેનમાં નાના હતા અને તેમને સંતાનમાં બે પુત્ર છે. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.