હૃદયરોગના હુમલાનો હાહાકાર: 19 વર્ષના યુવાન સહિત ત્રણ લોકોના હાર્ટફેઈલ

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક લોકોના હાર્ટએટેકથી મોત નિપજી રહ્યાં છે ત્યારે 19 વર્ષની યુવાન સહિત વધુ 3 લોકોના…

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક લોકોના હાર્ટએટેકથી મોત નિપજી રહ્યાં છે ત્યારે 19 વર્ષની યુવાન સહિત વધુ 3 લોકોના શ્ર્વાસ થંભી ગયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં સરધારમાં શ્રમિક યુવાન, ગણેશનગર અને સદ્ભાવના વૃધ્ધાશ્રમના બે વૃધ્ધાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટનાં સરધાર ગામે ખેતમજુરી અર્થે આવેલા મધ્યપ્રદેશના રીતેશ ધુંદરીયાભાઈ વાસ્કેલ નામનો 19 વર્ષનો યુવાન રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં સરધાર ગામે આવેલી ગણેશ હોટલ પાસે હતો ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે યુવકનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં શ્રમિક પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મૃતક યુવાન ચાર ભાઈ એક બહેનમાં વચેટ હતો.

બીજા બનાવમાં મોરબી રોડ પર આવેલા ગણેશનગરમાં રહેતાં લીલાબેન હરજીવનભાઈ મકવાણા નામના 70 વર્ષના વૃધ્ધા પોતાના ઘરે હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં સારવારમાં સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

આ ઉપરાંત ત્રીજા બનાવમાં મુળ શાપરના વતની અને હાલ ગોંડલ રોડ પર આવેલ સદ્ભાવના વૃધ્ધાશ્રમમાં આશ્રય લઈ રહેલા જસીબેન ભીમભાઈ સાંકલેચા (ઉ.60) બેભાન હાલતમાં ઢળી પડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં વૃધ્ધાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું તબીબે જાહેર કર્યુ હતું. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *