રાજકોટ હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ ત્રણ વ્યક્તિના હદયરોગના હુમલાથી મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં જકશન મેઈન રોડ ઉપર એસબીઆઈ બેન્કમાં પગાર લેવા આવેલા ગઢડીયા ગામના સફાઈ કર્મચારી, ભીડભંજન સોસાયટીની પરિણીતા અને વાવડીના યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણ તાલુકાના ગઢડીયા ગામે રહેતા મીઠાભાઈ લક્ષ્મણભાઈ પરમાર નામના 50 સફાઈ કર્મચારી સવારના અગિયારેક વાગ્યાના અરસામાં જકશન મેઇન રોડ ઉપર આવેલી એસબીઆઇ બેન્કમાં પોતાનો પગાર લેવા માટે આવ્યા હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પૂછપરછમાં મીઠાભાઈ પરમાર ત્રણ ભાઈ ચાર બહેનમાં વચ્ચેટ હતા અને તેઓ ડેઇલી ગઢડિયા ગામથી રાજકોટ અપ ડાઉન કરી આરએમસીમાં સફાઈ કામદાર તરીકે ફરજ બદલાવતા હતા.
બીજા બનાવમાં સાધુ વાસવાણી રોડ ઉપર ગોપાલ ચોક પાસે આવેલી ભીડ ભંજન સોસાયટીમાં રહેતા મધુબેન રણછોડભાઈ સભાડ નામની 36 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે વહેલી સવારના ચારેક વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં પરિણીતાનું હદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કરતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક પરિણીતાને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત ત્રીજા બનાવમાં વાવડીમાં આવેલ પુનિતનગર પાસે રહેતા પ્રવીણભાઈ નાનજીભાઈ ટીલાળા નામનો 41 વર્ષનો યુવાન રાત્રીના પોતાના ઘરે હતો ત્યારે બે વાગ્યાના સમયે હદયરોગનો હુમલો આવતા તાત્કાલિક તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પૂછપરછમાં પ્રવીણભાઈ ટીલાળા બે ભાઈમાં મોટા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
