ગાંધીનગર નજીક ONGCના પ્લાન્ટમાં ભિષણ આગ

ગાંધીનગરના કલોલ-માણસા હાઈવે પર આવેલા ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી)ના પ્લાન્ટમાં આજે સવારે અચાનક જ ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.…

ગાંધીનગરના કલોલ-માણસા હાઈવે પર આવેલા ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી)ના પ્લાન્ટમાં આજે સવારે અચાનક જ ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્લાન્ટ પરિસરમાં અત્યંત જ્વલનશીલ પદાર્થો હોવાના કારણે જોતજોતામાં આગે અત્યંત વિકરાળ સ્વરૂૂપ ધારણ કરી લીધું હતું. આગની જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટેગોટા કેટલાય કિલોમીટર દૂર સુધી આકાશમાં સ્પષ્ટપણે ઊડતા જોવા મળ્યા હતા. જેને પગલે આસપાસના રહેણાંક વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા હતા. તેમજ હાઈવે વાહન વ્યવહાર માટે ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.

ઘટનાની ગંભીરતા અને ભયાનકતાને ધ્યાને લઈને કલોલ તેમજ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરોના જવાનોએ પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે સતત પાણી અને ખાસ કેમિકલ ફોમનો મારો ચલાવ્યો હતો. આગ વધુ ભીષણ બને કે આસપાસના અન્ય સંવેદનશીલ યુનિટ્સ સુધી ફેલાય તે પહેલા જ ફાયર બ્રિગેડની ટીમે ભારે જહમત બાદ આગને ચારેય તરફથી ઘેરીને વધુ પ્રસરતી અટકાવી હતી.

સુરક્ષાની દ્રષ્ટિએ ઓપરેશન દરમિયાન પ્લાન્ટની આસપાસનો સમગ્ર વિસ્તાર તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કલોલ-માણસા હાઈવે પરનો વાહનવ્યવહાર થોડા સમય માટે થંભાવી દેવામાં આવ્યો હતો અને વાહનોને સુરક્ષિત અન્ય વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. રાહતની વાત એ રહી કે આ સમગ્ર ઘટનામાં સમયસરની કામગીરીના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી.

આ ઘટનાની જાણ થતાં જ ઓએનજીસીના ઉચ્ચ અધિકારીઓનો કાફલો અને સ્થાનિક પોલીસની ટીમ પણ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ અથવા તો ગેસ લીકેજના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં ઓએનજીસીની ટેકનિકલ ટીમ અને પોલીસ દ્વારા આગ લાગવાના ચોક્કસ અને વાસ્તવિક કારણો જાણવા માટે વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *