હૃદયરોગના હુમલાનો ઉપાડો : વધુ ત્રણ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ

રાજકોટમાં બંધ ટ્રકની સીટ પર બેઠેલા ડ્રાઈવર સહિત ત્રણ બેભાન હાલતમાં ઢળી પડયા’તા રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ હૃદયરોગના હુમલાના કારણે અનેક…

રાજકોટમાં બંધ ટ્રકની સીટ પર બેઠેલા ડ્રાઈવર સહિત ત્રણ બેભાન હાલતમાં ઢળી પડયા’તા

રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ હૃદયરોગના હુમલાના કારણે અનેક લોકોના મોત નિપજ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે. ત્યારે વધુ ત્રણ લોકો ધબકારા ચુકી ગયા છે. જેમાં રાજકોટમાં સોખડા રોડ પર બંધ ટ્રકની સીટ ઉપર બેઠેલા મુંબઈના ડ્રાઈવર, ગાંધીગ્રામમાં આધેડ અને મવડી વિસ્તારમાં પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મુળ મુંબઈના વતની દુર્ગા પ્રસાદ પાલ નામનો 40 વર્ષનો યુવાન સવારના 11 વાગ્યાના અરસામાં રાજકોટમાં સોખડા રોડ પર બંધ ટ્રકની સીટ ઉપર બેઠો હતો ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવકનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યુ હતું. પ્રાથમિક તપાસમાં દુર્ગા પ્રસાદ પાલ મુંબઈથી ટ્રક લઈ રાજકોટના લોઠડા ગામે ગયો હતો અને જ્યાંથી જામનગર જતો હતો તે સમયે આવેલો હાર્ટએટેક જીવલેણ નિવડયો હોવાનું જાણવા મળ્યું છે.

બીજા બનાવમાં મવડી વિસ્તારમાં આવેલ ઓમ પાર્ક સંસ્કાર સિટી પાસે રહેતાં હેમીબેન નાથાભાઈ જોટાણીયા નામના 58 વર્ષના પ્રૌઢા પોતાના ઘરે હતાં ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. જ્યાં સારવાર મળે તે પૂર્વે જ પ્રૌઢાનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક પ્રૌઢાને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે.

ત્રીજા બનાવમાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ ધરમનગર કવાર્ટરમાં રહેતા જીતેન્દ્રભાઈ રસીકભાઈ નાગર (ઉ.54) સાંજના ચારેક વાગ્યાના અરસામાં ઘરે હતાં ત્યારે છાતીમાં દુ:ખાવો ઉપડતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં આધેડનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *