રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ કહેર મચાવ્યો હોય તેમ દરરોજ હૃદયરોગના હુમલાથી અનેક લોકોના મોત નીપજી રહ્યા છે. ત્યારે વધુ બે બનાવમાં રાજકોટમાં આવેલા ધરમનગરમાં ચા પીતી વખતે આધેડ અને લોધીકાના ખાંભા ગામે કારખાનામાં કામ કરતો યુવાન બેભાન હાલતમાઁ ઢળી પડતા મોત નીપજ્યુ હતું.
આ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં રામાપીર ચોકડી પાસે આવેલા ધરમનગરમાં રહેતા ચમનભાઇ ડાયાભાઇ સુરેલા (ઉ.વ.55) સવારના 8 વાગ્યાના અરસામાં ચા પીતા હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવી જતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. આધેડને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જોઇ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.
બીજા બનાવમાં લોધીકાના ખાંભા ગામે કારખાના કામ કરતા સુરેશ કુમાર રાજ કુમાર શર્મા નામનો 27 વર્ષનો યુવાન કારખાના કામ કરતો હતો ત્યારે બેશુદ્ધ હાલતમાં ઢળી પડ્યો હતો. યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા તબીબે યુવકનુ હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યુ હોવાનું જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી હતી. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
