હૃદય રોગનો હુમલો: નવપરિણીત યુવાન અને સલૂનના ધંધાર્થીના હાર્ટ બેસી ગયા

રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાએ કહેર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે ત્યારે શહેરમાં થોરાળા વિસ્તારમાં પાંચ માસ પૂર્વે…

રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાએ કહેર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે ત્યારે શહેરમાં થોરાળા વિસ્તારમાં પાંચ માસ પૂર્વે લગ્નગ્રંથિથી જોડાયેલા યુવક અને રેલનગરમાં હેર સલુનના ધંધાર્થીનું હદયરોગના હુમલાથી મોત નિપજત બંને પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ નવા થોરાળા, મેઈન રોડ, ચારબાઈ માતાજીના મંદિર પાસે રહેતો દિપક કાળુભાઈ રાઠોડ નામનો 25 વર્ષનો યુવાન વહેલી સવારે સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો. ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવકને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં સારવાર મળે તે પહેલાં જ ડોકટરે જોઈ તપાસી યુવકનું હદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન બે ભાઈ બે બહેનમાં નાનો હતો. અને પાંચ મહિના પહેલાં જ લગ્ન થયા હતા અને સોની બજારમાં આવેલી એક ચાની હોટલ ખાતે ચા બનાવવાનું કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં રેલનગર વિસ્તારમાં આવેલ જાનકી વાટિકામાં રહેતા પ્રકાશભાઈ ગોરધનભાઈ મારું નામના 57 વર્ષના આધેડ સવારના સાડા સાતેક વાગ્યાના સમયે પોતાના ઘરે હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા જ્યાં આધેડનુંનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક પ્રકાશભાઈ મારુ પોપટપરા મેઇન રોડ ઉપર હર સલૂનની દુકાન ચલાવી ગુજરાન ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *