રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે સોમવારના રોજ અંદાજે 700થી વધુ વાહનોની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ હતી. ચેરમેન જયેશભાઈ બોઘરા, વા.ચેરમેન અને ડિરેક્ટરઓના માર્ગદર્શન હેઠળ તમામ વાહનોને ક્રમવાર પ્રવેશ આપી સુચારુ ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આજની મુખ્ય આવકમાં ઘઉં, ચણા, એરંડા, કપાસ, કલોંજી, તુવેર, મગફળી, વટાણા, મેથી, જીરું, ધાણા, લસણ, સફેદ અને કાળા તલ જેવી જણસીઓનો સમાવેશ થાય છે. સૌથી વધુ મગફળીની 20000 મણ આવક થઈ હતી, જે ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. ઘઉંની 12000 મણ, ચણા અને જીરુંની 8000-8000 મણ આવક રહી. સફેદ તલ 5000 મણ, કાળા તલ 3400 મણ, સિંગફાડા 7000 મણ, કલોંજી 2200 મણ, વટાણા અને લસણ 3200-3200 મણ અને કપાસની 6000 મણ આવક થઈ હતી. યાર્ડમાં ભારે ભીડ હોવા છતાં વહીવટી તંત્રએ ઉત્તમ વ્યવસ્થા જાળવી હતી.
