હનુમાન કથામાં ધક્કા મુકી, VVIP ટેંટમાં આગ લાગતા અફરાતફરી

ધારણા કરતા વધુ ભીડ ઉમટી પડતા એન્ટ્રી બંધ કરવી પડી, ફાયર શો દરમિયાન આગ લાગતા મોટી દુર્ઘટના સહેજમાં અટકી રાજકોટમાં રેસકોર્ષ મેદાન ખાતે ચાલી રહેલી…

ધારણા કરતા વધુ ભીડ ઉમટી પડતા એન્ટ્રી બંધ કરવી પડી, ફાયર શો દરમિયાન આગ લાગતા મોટી દુર્ઘટના સહેજમાં અટકી

રાજકોટમાં રેસકોર્ષ મેદાન ખાતે ચાલી રહેલી હનુમાન યુવાકથામાં ગતરાત્રે ભાવિકોનો ધસારો વધી જતા ભારે અવ્યવસ્થા ફેલાઇ હતી અને એક તબક્કે દરવાજા બંધ કરી દેવા પડ્યા હતા. બીજી તરફ રાત્રે આતશબાજી દરમિયાન વી.વી.આઇ.પી ડોમમાં અચાનક આગ લાગતા સહેજમાં મોટી દુર્ઘટના અટકી હતી.

હનુમાન યુવાકથાના અંતિમ દિવસે રાત્રે 10 વાગ્યા બાદ મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉમટી પડ્યા હતા. ગ્રાઉન્ડ પણ ચિક્કાર ભરાઇ જતા આયોજકોએ રેસકોર્ષ મેદાનમાં એન્ટ્રી બંધ કરી દેતા લોકો અને ગાર્ડ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. અસાધારણ ભીડ ઉમટી પડતા ભારે અવ્યવસ્થા ફેલાઇ જવા પામી હતી અને માંડ માંડ સ્થિતિ થાળે પડી હતી.

આ ઉપરાંત રેસકોર્સ ગ્રાઉન્ડ પર ચાલી રહેલી શ્રી હનુમાન ચાલીસા યુવા કથા દરમિયાન મોટી દુર્ઘટના ટળતા હાજર શ્રોતાઓએ રાહતનો શ્વાસ લીધો હતો. કથા કાર્યક્રમ માટે બનાવવામાં આવેલા VVIP ડોમમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ કથા દરમિયાન યોજાયેલા ફાયર શો સમયે ટેકનિકલ ખામી સર્જાતા ડોમના એક ભાગમાં આગ ભભૂકી ઉઠી હતી.

આગ લાગતાની સાથે જ ડોમમાં હાજર VVIP મહેમાનો અને દર્શકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. લોકોએ તાત્કાલિક બહાર નીકળવા દોડધામ શરૂૂ કરી હતી, જ્યારે આયોજકો દ્વારા માઈક દ્વારા શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી હતી. સદનસીબે, ઘટના સમયે ડોમમાં ભીડ ઓછી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.

આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર ફાઇટરો દ્વારા ઝડપી કાર્યવાહી કરી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગ કાબૂમાં લેવાયા બાદ સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં કોઈ જાનહાનિ થયાની માહિતી સામે આવી નથી, જ્યારે ડોમના કેટલાક ભાગને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાને લઈને શહેરમાં સલામતી વ્યવસ્થાઓ અંગે ચર્ચા પણ તેજ બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *