રાત્રે 151 કિલોની કેક અને પુષ્પવર્ષા સાથે હનુમાન જન્મોત્સવની થશે ઉજવણી

પશ્ર્ચિમી સંસ્કૃતિને તિલાંજલિ આપી યુવાનો ભક્તિભાવ સાથે 2026ને વધાવશે રાજકોટમાં ભક્તિનો મહાસાગર: રેસકોર્સ ગ્રાઉન્ડમાં હનુમાન ચાલીસા યુવા કથામાં ઉમટી જનમેદની, 50 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ કથાઅમૃતનું…

પશ્ર્ચિમી સંસ્કૃતિને તિલાંજલિ આપી યુવાનો ભક્તિભાવ સાથે 2026ને વધાવશે

રાજકોટમાં ભક્તિનો મહાસાગર: રેસકોર્સ ગ્રાઉન્ડમાં હનુમાન ચાલીસા યુવા કથામાં ઉમટી જનમેદની, 50 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ કથાઅમૃતનું પાન કર્યું

શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલી ’શ્રી હનુમાન ચાલીસા યુવા કથા’ અત્યારે આસ્થાનું કેન્દ્ર બની છે. હરિપ્રકાસદાસજી સ્વામીએ વ્યાસપીઠ ઉપરથી શ્રોતાગણોને તેમની આગવી શૈલીમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું રસપાન કરાવ્યું હતું. કથાના ચોથા દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો, જેમાં સોમવારે 35 હજારથી વધુ ભાવિકોએ કથાશ્રવણનો લાભ લીધો હતો. મંગળવારના રોજ 50 હજારથી વધુ ભાવિકોએ કથાશ્રવણનો લાભ લીધો હતો. આ આયોજન માત્ર ધાર્મિક જ નહીં પણ સામાજિક સેવાનું કેન્દ્ર પણ બન્યું છે, જ્યાં એક જ દિવસમાં 300થી વધુ રક્તની બોટલ એકઠી કરવામાં આવી હતી.

આજે 31મી ડિસેમ્બરના રોજ જ્યારે આખું વિશ્વ પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાઈને નવા વર્ષની ઉજવણી કરતું હોય છે, ત્યારે રાજકોટના આંગણે ભારતીય સંસ્કૃતિનો સંગમ જોવા મળશે. 31મીની રાત્રે હનુમાનજી દાદાનો જન્મોત્સવ અતિ ભવ્ય રીતે ઉજવવામાં આવશે. જેમાં 151 કિલોની કેક દાદાને ધરવામાં આવશે.51 કિલો ચોકલેટ અને કેડબરીનો પ્રસાદ વહેંચાશે.108 કિલો પુષ્પો દ્વારા દાદા અને સંતો-મહંતો પર પુષ્પવર્ષા કરવામાં આવશે.સમગ્ર મંડપને ફૂલો અને ફુગ્ગાથી શણગારી દાદાની વાનર સેનાના દર્શન કરાવવામાં આવશે.આ આયોજન પાછળનો મુખ્ય હેતુ પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળતા યુવાધનને ભારતીય પરંપરા અને આધ્યાત્મિકતા તરફ વાળવાનો છે. આ મહોત્સવમાં 50 થી 60 હજાર લોકો ઉમટી પડે તેવી શક્યતા છે. કથા દરમિયાન સ્વામીજીએ એક ભાવુક પ્રસંગ શેર કર્યો હતો, જેણે હજારો લોકોની આંખો ભીની કરી દીધી હતી. સ્વામીજીએ રાજકોટના ભરવાડ જ્ઞાતિના એક દાદાની નિ:સ્વાર્થ સેવાનો પરિચય કરાવતા જણાવ્યું કે, આ બાપા આર્થિક રીતે સામાન્ય હોવા છતાં તેમનું દિલ દરિયા જેવું વિશાળ છે.

ગયા વર્ષે હું જ્યારે બાપાના ઘરે ગયો ત્યારે ત્યાં માટીની દીવાલો અને સાદું ઝૂંપડું હતું. તેમની સ્થિતિ જોઈને હું રડી પડ્યો હતો. આ બાપાની હિંમત જુઓ, તેમણે મને કહ્યું કે ’સ્વામી, ભલે મારે મારું ઘર વેચવું પડે, પણ કથામાં આવતા ભક્તોને હું ચા પીવડાવવાનું ચાલુ જ રાખીશ’. ત્રણ વર્ષ પહેલાની કથા હોય કે અત્યારની, ભરવાડ બાપા પોતાની ગરીબીને ભક્તિના માર્ગમાં ક્યારેય આડે આવવા દેતા નથી અને સતત સેવા કરી રહ્યા છે.

વ્યવસ્થા માટે સ્વયંસેવકોની ફોજ
કથામાં આવતા હજારો ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે 27 જેટલી અલગ-અલગ સમિતિઓ બનાવવામાં આવી છે. ટ્રાફિક કંટ્રોલ, પ્રસાદ વિતરણ, પાણીની વ્યવસ્થા અને બેઠક વ્યવસ્થા માટે 3000થી વધુ સ્વયંસેવકો દિવસ-રાત પોતાની સેવા આપી રહ્યા છે.

યુવા પેઢીને જીતવી હશે તો વ્યસન અને ફેશન છોડવી પડશે
સ્વામીજીએ પોતાની આગવી શૈલીમાં યુવાનોને સંબોધતા કહ્યું કે, “જો તમે તમારા માટે વ્યસન ન છોડી શકતા હોવ, તો કાંઈ નહીં, પણ તમારા ઘરે જન્મેલા નાના બાળકો અને તમને પરણીને આવેલી પત્નીના ભવિષ્ય માટે તો વ્યસન છોડો.” તેમણે વધુમાં ઉમેર્યું કે, જ્યારે કોઈ ઘરનો મોભી વ્યસનને કારણે અકાળે વિદાય લે છે, ત્યારે પાછળ રહી ગયેલી સ્ત્રીની મજબૂરીનો ફાયદો આખો સમાજ ઉઠાવતો હોય છે. આ સામાજિક કડવી વાસ્તવિકતા રજૂ કરીને તેમણે યુવાનોને હાથ જોડીને વંદન કરી વ્યસન છોડવા વિનંતી કરી હતી.

હનુમાનદાદા માટે અન્નકૂટ/ઉત્સવ દરમિયાન ઘરેથી પ્રસાદ બનાવી લાવવા સ્વામીનું આહવાન

હરિપ્રકાશદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે આગામી 2 તારીખના રોજ હનુમાનદાદાનો ભવ્ય અન્નકૂટ/ઉત્સવ)રાખવામાં આવ્યો છે,બહેનો-માતાઓને વિશેષ અપીલ કથા દરમિયાન સ્વામીએ ખાસ કરીને રાજકોટની સૌ બહેનો અને માતાઓને વિનંતી કરતા જણાવ્યું હતું કે, “2 તારીખે હનુમાન દાદાનો અદભૂત ઉત્સવ છે. આ અવસરે આપ સૌ આપના ઘરેથી શ્રદ્ધાપૂર્વક દાદા માટે કંઈક વાનગી કે પ્રસાદ બનાવીને કથા સ્થળે લાવ માટે વિનંતી કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *