મનોરંજનની દુનિયામાં ઓટીટી પ્લેટફોર્મ ક્રાંતિ સમાન છે: અવની મોદી
ગુજરાતી તખ્તાથી લઇને તમિલ, તેલુગુ, હિન્દી, ગુજરાતી ફિલ્મો અને વેબ સિરીઝમાં પોતાની અભિનય કળા દર્શાવે છે ગુજરાતની દીકરી અવની મોદી
અભિનયની સીડી ચડનાર ઘણાં કલાકારોની મંઝિલ હિન્દી ફિલ્મ જગતની ઝાકઝમાળ દુનિયા હોય છે. આ દુનિયાનું પ્રવેશ દ્વાર મુંબઈ ગણાય છે. જુદા-જુદા રાજ્યોમાંથી યુવાનો અને યુવતીઓ અહીં આવીને અહીંના થઈને રહી જાય છે. સફળતા મળવા કરતા પણ અમુક કલાકારો ગણતરીની ફિલ્મો કરીને પોતાની આગવી ઓળખ બનાવી લે છે.ઓછી ફિલ્મો કરી હોવા છતાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું નામ બનાવ્યું છે એક્ટર, પ્રોડ્યુસર, રાઈટર, ડાયલોગ રાઇટર અવની મોદીએ.આ ગુજરાતી દીકરીએ સહુ પ્રથમ મધુર ભંડારકરની ફિલ્મ “કેલેન્ડર ગર્લ”માં અભિનય કરી દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે.ગુજરાતી તખ્તાથી લઇને તમિલ, તેલુગુ, હિન્દી, ગુજરાતી ફિલ્મો તેમજ ઓટીટી પ્લેટફોર્મ પર વેબ સિરીઝમાં પોતાની અભિનય કળા દર્શાવી છે.
જન્મ અને અભ્યાસ ગુજરાતના ગાંધીનગરમાં થયો. માતા અલકાબેન મોદી અને પિતા વિનોદ કુમાર મોદીએ બંને સંતાનોને ઇચ્છા મુજબ ઉડવા માટે આકાશ આપ્યું. અભ્યાસ દરમિયાન ઇન્ટર કોલેજ કોમ્પિટિશનમાં ભાગ લેતી વખતે અભિનયનો એકડો ઘૂંટયો. અભ્યાસ પૂરો થયા પછી એક્ટિંગમાં જ કારકિર્દી બનાવવા મન મક્કમ હતું તેથી જ પરિવાર સાથે ચર્ચા કરીને મુંબઈ શિફ્ટ થયા. નવું કલ્ચર,નવું શહેર અને નવા લોકો વચ્ચે જગ્યા બનાવવાની હતી,મુંબઈની લાઈફ સ્ટાઈલને અપનાવવાની હતી અને આ બધા વચ્ચે કારકિર્દીની શરૂૂઆત કરવાની હતી પરંતુ તેઓએ હાર ન માની. તેમનું માનવું છે કે દરેક ચેલેન્જીસમાંથી તમે નવું શીખો અને શીખીને નવું મેળવો એ જ તો જીવન છે.
મુંબઈ ગયા પછી શરૂૂઆત ગુજરાતી નાટકોથી થઈ. આ દરમિયાન ફિલ્મોમાં ઓડિશન આપવાનું ચાલુ જ હતું અને સહુ પ્રથમ તમિલ ફિલ્મ મળી.આ ફિલ્મ પછી પણ બે-ત્રણ ફિલ્મ કરી એ દરમિયાન હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ જાણીતા મધુર ભંડારકરની ફિલ્મ કેલેન્ડર ગર્લ માટે તેઓની પસંદગી થઈ આમ આ ફિલ્મ તેઓ માટે હિન્દી ફિલ્મનું પ્રથમ પગથિયું બની અને એક આગવી ઓળખ મળી. કારકિર્દી દરમિયાન દર્શન ઝરીવાલા, નિર્દેશક વિપુલ શાહ, ટીકુ તલસાણીયા, સુપ્રિયા પાઠક, મીતા વસિષ્ઠ સહિત અને કલાકારો સાથે કામ કર્યું છે.આ કલાકારો સાથે કામ કરવા બાબત તેઓ જણાવે છે કે સફળ વ્યક્તિ સાથે કામ કરવાથી ઘણું શીખવા મળે છે. તેમનું ડેડીકેશન અને જે ખંતથી તેઓ પોતાના રોલને ન્યાય આપે છે તે જોઈને તમને પણ ખૂબ પ્રેરણા અને પ્રોત્સાહન મળે છે.પરદા પર જે ફિલ્મ દર્શકો જુએ છે તે હકીકતમાં અલગ હોય છે. પરદા પાછળ થતી ઘટનાની કલ્પના દર્શકો ક્યારે કરી શકતા નથી.જેમ કે શૂટિંગમાં વરસાદના દ્દશ્યો ખૂબ જ સુંદર લાગે છે પરંતુ તે ભજવવા એટલા જ ટફ હોય છે.ઘણી વખત સીનની માંગ પ્રમાણે ઠંડીની સિઝનમાં આવા દ્દશ્યનું શૂટિંગ હોય તો મુશ્કેલી પડે છે. જંગલ, વરસાદ, જાનવરો વગેરે સાથે શૂટ કરવુ થોડું અઘરું હોય છે.
ગુજરાતી ફિલ્મો વિશે તેઓએ જણાવ્યું કે ગુજરાતી ફિલ્મોનો આ ગોલ્ડન પીરિયડ ચાલી રહ્યો છે દર્શકો ફિલ્મોને વધાવી લે છે અને બોક્સ ઓફિસમાં પણ સારું વાતાવરણ છે. જેમ ઓડિયન્સ અપગ્રેડ થયું છે તેમ ગુજરાતી ફિલ્મ પણ અપગ્રેડ થઈ છે. નવા નવા વિષયો પર ફિલ્મ બની રહી છે જેમાં નવીનતા અને તાજગી દેખાઈ રહી છે. તેઓની “કેરી ઓન કેસર” ફિલ્મને ગુજરાત સરકાર તરફથી પ્રતિષ્ઠિત ગુજરાત આઇકોનિક ફિલ્મ એવોર્ડ્સ (ૠઈંઋઅ) અને ગુજરાત ગ્લોરી એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત ટૂંકી ફિલ્મ વોઇસમેઇલમાં અભિનય કુશળતાની ઝલક બતાવવા સાથે સામાજિક સંદેશ પણ આપ્યો હતો. ફિલ્મ મોદી જી કી બેટી માં સ્ક્રિપ્ટ રાઇટિંગમાં પણ હાથ અજમાવ્યો અને મુખ્ય ભૂમિકા ભજવી હતી. તાજેતરમાં, એક ગુજરાતી વેબ શો ’વોટ ધ ફાફડા’ લખ્યો અને તેમાં અભિનય પણ કર્યો હતો.આમ તેઓ એક અભિનેતા અને લેખક તરીકે વિવિધ પ્રોજેક્ટ્સમાં સામેલ છે અને તેઓની બે વેબ સિરીઝ નજીકના ભવિષ્યમાં આવી રહી છે ત્યારે તેઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
આપ ભલા તો જગ ભલા
ફિલ્મોમાં કાસ્ટિંગ કાઉચ બાબત તેઓએ જણાવ્યું કે સારા-નરસા માણસો બધા જ ક્ષેત્રમાં મળે છે.જો તમે તમારી જાત માટે મક્કમ હો તમારો ગોલ ક્લિયર હોય તો તમને કોઈ જ નડતું નથી. સારા-નરસા અનુભવો જ તમને આગળ વધતા શીખવે છે પરંતુ જરૂૂરી એ છે કે તમારી પ્રાયોરિટી નિશ્ચિત હોવી જોઈએ.
પરિવારના સપોર્ટ વિના બધું નકામું
જે લોકો આ ફિલ્ડમાં કેરિયર બનાવવા માગે છે તેમને અપીલ કરતા જણાવ્યું કે તમારા કામમાં ફેમિલીનો સપોર્ટ ખૂબ જ જરૂૂરી છે તેથી તેમની લાગણી બાબત વિચારો તો સામે પક્ષે પેરેન્ટ્સને પણ એટલું જ કહેવાનું કે જો તમારા બાળકમાં ટેલેન્ટ છે, ક્ષમતા છે તો તેના પર ભરોસો મૂકો અને મોરલ સપોર્ટ આપો. અભિનયની કારકિર્દી અનિશ્ચિત છે તેથી ઉત્તાર-ચડાવ સમયે પરિવારનો સપોર્ટ ખૂબ જરૂૂરી છે.
અનેક કલાકારો ઓટીટી પર ભોગવી રહ્યા છે સ્ટારડમ
ઓટીટી પ્લેટફોર્મ કલાકારો માટે મોટું વરદાન છે. કેમેરાની પાછળના ટેક્નિશિયન થી લઈને કેમેરાની સામે કામ કરતા કલાકારો સહિત દરેકને ખૂબ કામ મળે છે.પહેલાના સમયમાં ફિલ્મ બોક્સ ઓફિસ પર ચાલે તેનો રેશિયો બહુ ઓછો હતો હવે વેબ સિરીઝ અને ઓટીટીના કારણે નંબરની ગેમ બંધ થઈ ગઈ છે અને હીટ-ફ્લોપ કેટેગરીમાંથી કલાકારો બહાર આવી ગયા છે. જે કલાકારોને ફિલ્મોમાં ચાન્સ નહોતો મળતો તે અનેક કલાકારો ઓટીટી પર સ્ટારડમ ભોગવી રહ્યા છે.મનોરંજનની દુનિયામાં આ એક મોટી ક્રાંતિ છે.
